દિવાળીના દરમિયાન આશરે ૭૦થી ૮૦ કરોડ રૂપિયાનો રાજકોટમાં ડ્રાયફ્રુટ વેપાર થાય છે

દિવાળી ઉપર જ ડ્રાયફ્રુટ સસ્તા થતા ખરીદીમાં તેજી -GSTના કારણે ભાવમાં ઘટાડો થયો છે, જેના કારણે ખરીદીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે
રાજકોટ, દિવાળીનો તહેવાર નજીક આવતા રાજકોટના બજારમાં ઉત્સાહનો માહોલ છે. મીઠાઈની સાથે હવે ડ્રાયફ્રુટ પણ તહેવારની ભેટ અને આરોગ્યપ્રદ ખાવાના રૂપમાં લોકપ્રિય બન્યા છે. શહેરના ડ્રાયફ્રુટ વેપારીઓએ જણાવ્યું કે આ વર્ષે ડ્રાયફ્રુટની માંગ અત્યાર સુધીની સૌથી વધારે નોંધાઈ છે. ગુણવત્તા, સ્વાદ અને આરોગ્યના સંતુલન સાથે લોકો હવે ડ્રાયફ્રુટ તરફ વળ્યા છે, જેનું પરિણામ છે કે રાજકોટમાં આ વ્યવસાય કરોડોમાં પહોંચી ગયો છે.
રાજકોટના પ્રખ્યાત દાદાજી ડ્રાયફ્રુટના માલિક દિપકભાઈ કહે છે કે અમારી ચોથી પેઢી છે, જે ડ્રાયફ્રુટનો વેપાર કરી રહી છે. સમય સાથે ગ્રાહકોની પસંદગી અને જીવનશૈલીમાં મોટા ફેરફાર આવ્યા છે. પહેલા લોકો મીઠાઈની માંગ કરતા, પરંતુ હવે આરોગ્ય પ્રત્યે જાગૃત લોકો ડ્રાયફ્રુટ તરફ વધારે વળતા જોવા મળે છે. દિવાળીની સીઝન નજીક આવતાં રાજકોટમાં ડ્રાયફ્રુટની ખરીદીમાં વધારો નોંધાઈ રહ્યો છે.
દિપકભાઈ જણાવે છે કે દર વર્ષે દિવાળીના પહેલા સપ્તાહથી જ ડ્રાયફ્રુટની માંગ વધી જતી હોય છે, પણ આ વર્ષે માંગ સૌથી વધુ છે. કાજુ, બદામ અને અંજીરના પાક આ વર્ષે ખૂબ સારા થયા છે, અને માલની પૂરતી આવક મળી રહી છે. બજારમાં પુરવઠો યોગ્ય હોવાને કારણે સામાન્ય ડ્રાયફ્રુટના ભાવમાં કોઈ મોટો ઉછાળો નથી.
જીએસટી બાદ આ વર્ષે ભાવમાં સરેરાશ ૫થી ૭ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે, જે ગ્રાહકો માટે સારો સમય છે કારણ કે ગુણવત્તાવાળા ડ્રાયફ્રુટ હવે થોડા સસ્તા દરે ઉપલબ્ધ છે.
દીપકભાઈ જણાવે છે કે રાજકોટમાં દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન આશરે ૭૦થી ૮૦ કરોડ રૂપિયાનો ડ્રાયફ્રુટ વેપાર થાય છે, જ્યારે આખા વર્ષ દરમિયાન આ આંકડો ૩૫૦થી ૪૦૦ કરોડ સુધી પહોંચે છે. રાજકોટના લોકો હવે મીઠાઈ કરતાં ડ્રાયફ્રુટને વધુ પસંદ કરે છે, કારણ કે તે આરોગ્યદાયક છે અને ગિફ્ટ માટે પણ યોગ્ય વિકલ્પ છે.
દાદાજી ડ્રાયફ્રુટમાં મળતા મોટાભાગના ઉત્પાદનો વિદેશથી આયાત થાય છે. ઈરાન, ચીલી અને અમેરિકાથી વિવિધ પ્રકારના કાજુ, બદામ, અંજીર અને પિસ્તા મંગાવવામાં આવે છે. અમારા બધા ડ્રાયફ્રુટ ૧૦૦ ટકા ઈમ્પોર્ટેડ છે, જેથી ગ્રાહકોને ગુણવત્તામાં કોઈ સમાધાન ન કરવું પડે.
આ વર્ષે કેટલીક ખાસ વસ્તુઓના ભાવમાં વધારો નોંધાયો છે. મુન્નકા, કિસમિસ અને એપ્રિકોટના ભાવમાં ૩૫ થી ૪૫ ટકા જેટલો ઉછાળો આવ્યો છે, દિપકભાઈ જણાવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ ત્રણેય પ્રોડક્ટના પાકમાં વિદેશમાં થોડી ખામી આવી છે, જેના કારણે સપ્લાય ઘટ્યો છે અને ભાવો વધી ગયા છે.
આજના સમયમાં દરેક ઘરમાં ડ્રાયફ્રુટ ખાવાની આદત બની ગઈ છે. અગાઉ લોકો ડ્રાયફ્રુટ ખાસ પ્રસંગો અથવા તહેવારોમાં જ લેતા, પરંતુ હવે રોજના નાસ્તા કે ડાયટમાં પણ ડ્રાયફ્રુટનો સમાવેશ કરે છે. દિવાળીની સીઝનને ધ્યાનમાં રાખીને દાદાજી ડ્રાયફ્રુટે ખાસ પેકેજિંગ તૈયાર કર્યાં છે, જે ગિફ્ટ માટે યોગ્ય છે.
રાજકોટના વેપારીઓ માટે દિવાળી માત્ર તહેવાર નથી, પણ એક મોટી બિઝનેસ સીઝન પણ છે. શહેરના દરેક ખૂણે, મોટા શોરૂમથી લઈને નાના સ્ટોલ સુધી, ડ્રાયફ્રુટની ચમક જોવા મળે છે. દિવાળીની ખુશીની આ પર્વે રાજકોટવાસીઓ હવે મીઠાઈની જગ્યાએ સ્વાસ્થ્યપ્રદ અને વૈભવી ડ્રાયફ્રુટ ગિફ્ટ આપવાનું વધુ પસંદ કરી રહ્યા છે. અને એ જ કારણ છે કે શહેરનો ડ્રાયફ્રુટ માર્કેટ વર્ષ પ્રતિ વર્ષ નવા રેકોર્ડ બનાવી રહ્યો છે.