ગુજરાતને વૈશ્વિક હાઇડ્રોજન હબ તરીકે મજબૂત બનાવવા પેનલ દ્વારા ચર્ચા કરાઇ

Presentation Image
Mehsana, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ(VGRC) અંતર્ગત મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે ગુજરાત ગ્રીન હાઇડ્રોજન માટે આદર્શ હબ વિષયક ચર્ચાસત્ર યોજાયું હતુ. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન અંતર્ગત ગુજરાતે 2023 સુધીમાં 3 MMTPA ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.
આ પેનલ ચર્ચામાં ઈલેક્ટ્રોલાઇઝર મેન્યુફેક્ચરિંગ, ક્લસ્ટર વિકાસ અને નિકાસ તકો તેમજ નાના તેમજ લઘુ ઉદ્યોગ (MSME)ને શુદ્ધ હાઇડ્રોજન ઉત્પાદનને પ્રોત્સાહન આપીને ગુજરાતને વૈશ્વિક હાઇડ્રોજન હબ તરીકે મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી.
ગ્રીન હાઇડ્રોજન મિશન દ્વારા, ભારત હાઇડ્રોજન ટેકનોલોજીમાં નવીનતા અને ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરી આવશે. જેમાં ગુજરાત ગ્રીન હાઈડ્રોજન માટે હબ બની રહેશે. આ મુદ્દે પેનલ ચર્ચામાં નવીન વિચારો, તકો અને ભવિષ્યની તૈયારીઓ અંગે સવિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
પેનલ ચર્ચાના અંતે પેનલમાં ઉપસ્થિત તજજ્ઞો દ્વારા એક મતે વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ગુજરાત ઉદ્યોગસાહસિકતા અને નવીનતાની ભૂમિ હોવા સાથે ભારતના વિકાસનું ગ્રોથ એન્જિન છે.
અરવલ્લીની તળેટીથી લઈને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સુધી ગુજરાત હંમેશા દ્રષ્ટિકોણમાં હિંમતવાન, કાર્યમાં નિર્ણાયક રહ્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ તે ઊર્જા અને ઔદ્યોગિક વિકાસમાં રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવ્યું છે.
રાજ્યએ પહેલાથી જ 39 GW થી વધુ નવીકરણીય ક્ષમતા સ્થાપિત કરી છે અને દેશભરમાં સ્વચ્છ ઊર્જા પહોંચાડવા માટે મોટા પાયે નવીકરણીય ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ્સ, પમ્પ્ડ સ્ટોરેજ અને અદ્યતન ટ્રાન્સમિશન નેટવર્ક દ્વારા તેની આગામી છલાંગ માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે આ સાહસિક પગલાં ભારતની ઊર્જા સુરક્ષાના મુખ્ય મથક તરીકે અને ભવિષ્ય માટે તૈયાર ઊર્જા ઇકોસિસ્ટમ દ્વારા સંચાલિત, નેટ-ઝીરો તરફ રાષ્ટ્રના સંક્રમણના ચાલક તરીકે ગુજરાતની ભૂમિકાને મજબૂત બનાવશે.
આ મહત્ત્વપૂર્ણ પેનલ ચર્ચામાં પ્રશાંત ચૌબે, શાલિન શેઠ, હેમંત મારિયા, કપિલ મહેશ્વરી, Eva verstrelen, દલજીત સિંહ કોહલી સહભાગી બન્યા હતા.