ગ્રીન ઊર્જા આધારિત ઉદ્યોગ વિકાસ માટે DGVCL દ્વારા થીમેટિક સેશન યોજાયું

પ્રતિકાત્મક
ગુજરાત બની રહ્યું છે ગ્રીન ઈન્ડસ્ટ્રી હબ: સેશનમાં ગ્રીન ફીડર્સ, ડેટા સેન્ટર્સ અને સેમીકન્ડક્ટર્સ માટે ઊર્જા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નિષ્ણાતોની ચર્ચા
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ–૨૦૨૫ અંતર્ગત ગણપત યુનિવર્સિટી, ખેરવા (મહેસાણા) ખાતે ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા “આવનાર પેઢીના ઉદ્યોગોને ગુણવત્તાસભર વીજળીની ઉપલબ્ધતા: ગ્રીન ફિડર્સ, ગ્રીન મેન્યુફેક્ચરર, ગ્રીન ટેક્સટાઈલ, ગ્રીન ડેટા સેન્ટર્સ અને સેમીકન્ડક્ટર્સ” વિષય પર થીમેટિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેશનમાં વિવિધ ક્ષેત્ર અને ઉદ્યોગોના પ્રતિનિધિઓ તથા નિષ્ણાતોએ ભાગ લીધો હતો. કાર્યક્રમમાં મુખ્ય સ્પીકર તરીકે શ્રી સી.પી. તિવારી, હેડ-બિઝનેસ ડેવલપમેન્ટ, ટાટા પાવર, શ્રી એસ.કે.નેગી, COO, કેપીઆઈ ગ્રીન પ્રા. લિ., શ્રી દિનેશ યાદવ, CEO, અરવિંદ લિ., શ્રી અમિત બર્વે, CEO, રેઝોન સોલર પ્રા. લિ., શ્રી તન્મય દૌરી, હેડ-બિઝનેસ, RE Surge Data Center તથા શ્રી સુધીર નાયક, ડાયરેક્ટર, N ક્યૂબ સેમિકોન ઉપસ્થિત રહ્યા હતા.
સેશનના નોલેજ પાર્ટનર તરીકે WRI India જોડાયેલ, અને શ્રી અભિજિત શર્મા, પ્રોગ્રામ મેનેજર, WRI India એ સેશનને મોડરેટ કર્યું હતું. ચર્ચા દરમિયાન ગ્રીન એનર્જી આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઊર્જા કાર્યક્ષમતા, સ્થાયિત ઉદ્યોગ વિકાસ, તેમજ રાજ્ય સરકારની ગ્રીન ઊર્જા નીતિઓમાં સુધારાત્મક સૂચનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
સ્પીકરશ્રીઓએ ઉલ્લેખ કર્યો કે, ઉદ્યોગોને ગુણવત્તાસભર વીજળીની સતત ઉપલબ્ધતા જ ગ્રીન ઈકોનોમીના વિકાસ માટેના પાયાના સ્તંભ સમાન છે. રાજ્ય સરકારના ઊર્જા ક્ષેત્રના પગલાંઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના પ્રયાસો ગુજરાતને “ગ્રીન ઈન્ડસ્ટ્રી હબ” તરીકે સ્થાપિત કરવા માટે મજબૂત પાયા પૂરાં પાડે છે.
કાર્યક્રમના અંતે શ્રી યોગેશ ચૌધરી, મેનેજિંગ ડિરેક્ટર– DGVCL દ્વારા આભાર વિધિ વ્યક્ત કરાઈ હતી. તેમણે તમામ સ્પીકરશ્રીઓ તથા ઉપસ્થિત મહાનુભાવોનો કાર્યક્રમને સફળ બનાવવા માટે આભાર વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમ દ્વારા ઉદ્યોગ ક્ષેત્ર માટે ઊર્જા ક્ષેત્રના નવીન દિશા-નિર્દેશ, તકનીકી અને ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે સહકારના નવા માર્ગો ખુલ્યા છે.