પીએસયુ બેન્કોમાં ટોચના પદે ખાનગી લોકોની નિયુક્તિ થશે

નવી દિલ્હી, કેન્દ્ર સરકારે પીએસયુ બેન્કિંગ ક્ષેત્રે મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી દેશમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) સહિતની તમામ પીએસયુ બેન્કોમાં ટોચના મેનેજમેન્ટમાં ખાનગી ક્ષેત્રના ઉમેદવારોની નિમણૂક કરી શકાશે.
નવી માર્ગદર્શિકા મુજબ એસબીઆઈમાં મેનેજિંગ ડિરેક્ટરના ચાર પદો પૈકી એક ઉપર ખાનગી ક્ષેત્રના ઉમેદવાર અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓના વ્યક્તિઓને કામ કરવાની તક સાંપડશે.
હાલમાં તમામ એમડી અને ચેરમેન પદે આંતરિક ઉમેદવારોને જ નિમણૂક અપાય છે. કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા જાહેર નવી માર્ગદર્શિકામાં ખાનગી ક્ષેત્રના ઉમેદવારોને પીએસયુ બેન્કોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી છે.
એસબીઆઈ ઉપરાંત પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને બેન્ક ઓફ ઈન્ડિયા સહિત ૧૧ જાહેર ક્ષેત્રની બેન્કોમાં આ નિયમ લાગુ પડશે.
સમિતિના મતે ખાનગી ક્ષેત્રના ઉમેદવારને એમડી પદ પર કામ કરવાનો ઓછામાં ઓછો ૨૧ વર્ષનો અનુભવ અનિવાર્ય રહેશે. જેમાં ઓછામાં ઓછો ૧૫ વર્ષ બેન્કિંગ અનુભવ અને બેન્ક બોર્ડ અથવા બોર્ડ સ્તરે બે વર્ષનો અનુભવ જરૂરી રહેશે. સરકારે વધુમાં જણાવ્યુ છે કે, જાહેર ક્ષેત્રના ઉમેદવારો પણ આવી ખાલી જગ્યા પર અરજી કરી શકશે.
આ માર્ગદર્શિકાનો અમલ થવાની તારીખથી એસબીઆઈના એમડીનું પ્રથમ પદ ખાલી માનવામાં આવશે. માર્ગદર્શિકા મુજબ પ્રથમ ખાલી જગ્યા બાદ ઉભી થનારી અન્ય ખાલી જગ્યાઓ પીએસયુ બેન્કોમાં જ પદ પર રહેલા યોગ્ય ઉમેદવારોથી ભરવામાં આવશે.
પીએસયુ બેન્કોમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની નિમણૂક અંગેના નિર્દેશોમાં જણાવાયું છે કે બેન્કમાં એક પદ ઉપર ખાનગી ક્ષેત્રના ઉમેદવાર સહિત અન્ય પદો પર યોગ્ય ઉમેદવાર નિયુક્ત કરાશે. મોટી પીએસયુ બેન્કોમાં ચાર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય છે જ્યારે નાની બેન્કોમાં બે આવા પદ હોય છે. આ હોદ્દા માટે ખાનગી ક્ષેત્રના ઉમેદવારનો ઓછામાં ઓછો ૧૮ વર્ષનો અનુભવ અનિવાર્ય રહેશે.
જેમાં ૧૨ વર્ષ બેન્કિંગ ક્ષેત્રનો અનુભવ જરૂર છે અને બોર્ડ સ્તરથી નીચે ટોપ મેનેજમેન્ટનો ત્રણ વર્ષનો અનુભવ પણ સામેલ છે.નાણાં વર્ષ ૨૦૨૭-૨૮ સુધી ચીફ જનરલ મેનેજર અને જનરલ મેનેજર પદે ચાર વર્ષની સંયુક્ત સેવા ધરાવતા પીએસયુ બેન્કના અધિકારીઓને પસંદગીમાં પ્રાથમિકતા અપાશે.
ત્યારબાદ ચીફ જનરલ મેનેજર પદે બે વર્ષની સેવા ધરાવતા ઉમેદવારને પ્રાધાન્ય અપાશે. ચીફ વિજિલન્સ ઓફિસર (સીવીઓ) પદે ફરજ બજાવતા ઉમેદવાર આ પદ પર નિમણૂક માટે લાયક ગણાશે નહીં.SS1MS