કોહલી અને રોહિત ૨૦૨૭ના વર્લ્ડ કપની અમારી યોજનામાં જ છેઃ ગિલ

નવી દિલ્હી, રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર સ્ટાર ક્રિકેટર તેમના કૌશલ્ય અને અનુભવને કારણે ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટેની અમારી યોજનાના ભાગરૂપે રહેવાના જ છે અને તેમના અમર્યાદ અનુભવને જરાય અવગણી શકાય નહીં તેમ ભારતીય વન-ડે ક્રિકેટ ટીમના નવા નિમાયેલા સુકાની શુભમન ગિલે ગુરુવારે જણાવ્યું હતું.
તાજેતરમાં જ રોહિત શર્માને સ્થાને વન-ડે ટીમના સુકાની તરીકે નિયુક્ત કરાયેલા શુભમન ગિલે એમ પણ જણાવ્યું હતું કે રોહિત શર્મા મારો આદર્શ સુકાની રહ્યો છે અને તેણે જે રીતે ચાર વર્ષના કાર્યકાળમાં મિત્રતા પેદા કરી હતી તેમ જ હું કરવા માગું છું.
૨૬ વર્ષીય શુભમન ગિલ અગાઉથી જ ટેસ્ટ ટીમનો સુકાની બની ચૂક્યો છે અને તેની આગેવાનીમાં ભારતીય ટીમે આ વર્ષે ઇંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરીને પાંચ ટેસ્ટની સિરીઝ ૨-૨થી સરભર કરી હતી અને હજી ગયા સપ્તાહે જ અમદાવાદ ખાતે પ્રવાસી વેસ્ટ ઇન્ડિઝની ટીમને એક ઇનિંગ્સ અને ૧૪૦ રનના માર્જીનથી હરાવી હતી.
રોહિત શર્મા અને વિરાટ કોહલી ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપની યોજનામાં છે કે નહીં તેવા પ્રશ્નના ઉત્તરમાં હજી ગયા સપ્તાહે પસંદગી સમિતિના ચેરમેન અજિત અગરકરે કોઈ વચન આપ્યું ન હતું પરંતુ ગિલે જરાય સંકોચ રાખ્યા વિના ઉત્તર આપ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે તેઓ અમારી યોજનામાં છે જ કેમ કે તેઓ જે પ્રકારનો અનુભવ ધરાવે છે અને જે સંખ્યામાં ભારતને મેચોમાં વિજય અપાવ્યો છે તે જોતાં તેઓ અમારા પ્લાનમાં છે. એવા ઘણા ઓછા ખેલાડી છે જેમણે ભારતને આટલી બધી સફળતા અપાવી હોય. તેણે ઉમેર્યું હતું કે ઘણા ઓછા ખેલાડી છે જેમની પાસે આટલી બધી સ્કીલ હોય અને અનુભવ પણ હોય.
આમ એ રીતે જોઈએ તો પણ તેઓની હાજરીથી હું ખુશ છું.ભારતીય ટીમ ટૂંક સમયમાં જ ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરનારી છે જેમાં ત્રણ વન-ડે મેચની સિરીઝ રમશે. આ સિરીઝ માટેની ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીને સામેલ કરવામાં આવ્યા છે.
આ બંને ક્રિકેટરે ટેસ્ટ અને ટી૨૦માંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હોવાથી તેઓ હવે માત્ર વન-ડે ક્રિકેટમાં જ રમી રહ્યા છે.એક તરફ ગિલ આ બંને હજી બે વર્ષ સુધી ભારત માટે રમે તેવી ઇચ્છા અને દાવો વ્યક્ત કરી રહ્યો છે પરંતુ સાથે સાથે હાલમાં ભારતીય ક્રિકેટમાં એવી પણ અટકળે જોર પકડ્યું છે કે બની શકે છે કે રોહિત શર્મા અને કોહલી કદાચ છેલ્લી વાર ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી રહ્યા છે.SS1MS