મંજૂરી વિના એશિયા કપ ટ્રોફી કોઈને નહીં સોંપવા નકવીની સૂચના

લાહોર, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે સપ્ટેમ્બરના અંતમાં એશિયા કપ જીત્યો હતો પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન મોહસિન નકવીના હસ્તે ટ્રોફી સ્વિકારવાનો ભારતે ઇનકાર કરી દીધા બાદ એશિયા કપ ટ્રોફી અત્યારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ની દુબઈ ખાતેના મુખ્યમથકની ઓફિસમાં રહેલી છે.
હવે ચેરમેન મોહસિન નકવીએ એવો આદેશ જારી કર્યાે છે કે તેમની મંજૂરી વિના આ ટ્રોફી ક્યાંય ખસેડવી નહીં કે કોઈને સોંપવી નહીં. આમ કરીને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) અને એસીસીના ચેરમેન મોહસિન નકવીએ નવું નાટક શરૂ કર્યું છે અને વિવાદને આગળ ધપાવ્યો છે.
૨૮મી સપ્ટેમ્બરે રમાયેલી ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ભારત એશિયા કપ ચેમ્પિયન બન્યું હતું પરંતુ ટુર્નામેન્ટને અંતે યોજાયેલા સમાપન સમારંભમાં ભારતીય ટીમે મોહસિન નકવીને હસ્તે ટ્રોફી સ્વિકારવાનો ઇનકાર કરી દીધો હતો.
અગાઉ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ભારતે ટ્રોફી સ્વિકારવાનો ઇનકાર કર્યાે હતો. પહેલગામ હુમલા સમયે મોહસિન નકવી પાકિસ્તાન સરકારના ગૃહ પ્રધાન પણ હતા.
નકવીની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું કે હાલના તબક્કે એશિયા કપ ટ્રોફી એસીસીની દુબઈ ખાતેની ઓફિસમાં છે અને નકવીએ સ્પષ્ટ સૂચના આપેલી છે કે તેમની મંજૂરી વિના ટ્રોફી તેની જગ્યાએથી ક્યાંય ખસેડવી નહીં અને કોઈને સોંપવી નહીં. નકવીએ એવી પણ સૂચના આપી છે કે જ્યારે પણ શક્ય બનશે ત્યારે તેઓ જાતે જ આ ટ્રોફી વ્યક્તિગત રીતે ભારતીય ટીમ અથવા તો બીસીસીઆઈને સુપરત કરશે.
ઉલ્લેખનીય છે કે નોંધનીય છે કે સમગ્ર એશિયા કપ દરમિયાન ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની પ્લેયર્સ સાથે હાત મિલાવવાનો પણ ઇનકાર કરી દીધો હતો. ચેમ્પિયન બન્યા બાદ ટ્રોફી નહીં મળતા બીસીસીઆઇએ પણ આકરું વલણ અપનાવ્યું છે.
એસીસીની બેઠકમાં ટ્રોફી કોઇની વ્યક્તિગત નથી તેવા આક્ષેપો કરીને બોર્ડે નકવીને ચોમેરથી ઘેરી લીધા હતા અને આઈસીસીની આગામી મહિને યોજનારી બેઠકમાં આ બાબતની ફરિયાદ કરશે.
આઇસીસીની બેઠકમાં નકવીની ડાયરેક્ટર તરીકેના હોદ્દા પરથી હકાલપટ્ટી કરવામાં આવે તેવી પૂરી સંભાવના છે. પીસીબી અથવા નકવી માટે લાંબા ગાળાના શું પરિણામ હશે તે અંગે પણ વિવિધ અટકળો થઇ રહી છે.SS1MS