56 કરોડ જેટલા જનધન ખાતા ખોલી વડાપ્રધાને છેવાડાના લોકોને વ્યાજના ચક્રમાં ફસાતા અટકાવ્યા

વિજાપુરની ધી સરદાર પટેલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડનો રજત જયંતિ મહોત્સવ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સહકારી ક્ષેત્રને વિકસિત ભારતના નિર્માણ માટે નિર્ણાયક ગણાવ્યું
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતી અને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષનો સુભગ સંયોગ-આજે ગુજરાતમાં ૯૦ હજાર જેટલી સહકારી મંડળીઓ કાર્યરત: ૧.૭૧ કરોડથી વધુ સભાસદો મેળવી રહ્યા છે લાભ
સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ૧ કરોડ ૧૧ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના મંત્રને ચરિતાર્થ કરતા ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રગતિને બિરદાવવાની સાથે આજે વિજાપુર ખાતે ધી સરદાર પટેલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સહકાર ક્ષેત્રને એક નવી ઊંચાઈ પ્રદાન કરી છે,
જેના પરિણામે આજે ગુજરાતમાં ૯૦ હજાર જેટલી સહકારી મંડળીઓ કાર્યરત છે, જેમાં ૧.૭૧ કરોડથી વધુ સભાસદો જોડાયેલા છે. મુખ્યમંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું કે, આજે જ્યારે ભારત સરદાર પટેલની ૧૫૦મી જન્મ જયંતિ અને ૨૦૨૫ના વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવી રહ્યું છે, ત્યારે આ રજત જયંતિ મહોત્સવની ઉજવણી એક સુભગ સંયોગ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સહકારી પ્રવૃત્તિને એક ‘સ્પિરિટ’ ગણાવતા જણાવ્યું હતું કે સહકાર ક્ષેત્રે પ્રથમ રહેવાની પરંપરા ગુજરાતે ૧૮૮૯માં વડોદરામાં સહકારી મંડળીની સ્થાપના સાથે આજદિન સુધી જાળવી છે. તેમણે રાજ્યના સહકાર ક્ષેત્રના વિસ્તરણની માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાતની સ્થાપના વખતે રાજ્યમાં ૧૩,૯૫૯ સહકારી મંડળીઓ હતી, જેની સંખ્યા આજે વધીને ૯૦ હજાર જેટલી થઈ છે. ખાસ કરીને ક્રેડિટ સોસાયટીઓના મહત્વ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું કે આજે રાજ્યમાં ૬,૪૦૦થી વધુ ક્રેડિટ સોસાયટીઓ કાર્યરત છે, જેનો ૩૫ લાખથી વધુ સભાસદો લાભ લઈ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને સહકાર અને સર્વોદયની ભાવના સાથે જોડ્યો હતો. તેમણે વડાપ્રધાનશ્રીના ૨૪ વર્ષના સુશાસનને બિરદાવવા થઈ રહેલી વિકાસ સપ્તાહની ઉજવણીનો ઉલ્લેખ કર્યો. તેમણે ઉમેર્યું હતું કે આ સપ્તાહના ભાગરૂપે સહકાર ક્ષેત્રે શરૂ કરાયેલી ૬૦ જેટલી પહેલોને બિરદાવવા સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોએ ૧ કરોડ ૧૧ લાખ જેટલા પોસ્ટકાર્ડ લખીને આભાર વ્યક્ત કર્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રીની જન ધન યોજનાને ઐતિહાસિક પગલું ગણાવ્યું, જેના થકી ૫૬ કરોડ જેટલા જનધન ખાતા ખોલાવવામાં આવ્યા અને છેવાડાના લોકો સુધી બેંકિંગ સેવાઓ પહોંચી; જેનાથી લોકોને ડીબીટી મારફતે વિવિધ યોજનાઓનો લાભ સીધો તેમના બેંક ખાતામાં મળતો થયો.
વિકસિત ભારતના નિર્માણના વડાપ્રધાનશ્રીના ૨૦૪૭ના લક્ષ્યને સિદ્ધ કરવા માટે મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને રોજગારી અને મહિલાઓના સશક્તિકરણમાં સહકારી ક્ષેત્રના યોગદાનને મહત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે સૌને ‘વોકલ ફોર લોકલ’ અને ‘લોકલ ટુ ગ્લોબલ’ના મંત્ર સાથે સ્વદેશી વસ્તુઓ અપનાવી ગુજરાતને આત્મનિર્ભર બનાવવા તેમજ વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણની ભાવના સાથે આગળ વધવા આહવાન કર્યું.
મુખ્યમંત્રીશ્રીએ અંતમાં સહકાર, પારદર્શિતા અને લોકહિતના આદર્શોને વળગી રહેવા સોસાયટીના સભાસદોને અપીલ કરી રજત જયંતિ મહોત્સવ બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કર્ણાટકથી શરૂ થયેલી સહકારની ચળવળ આજે દેશવ્યાપી મુહિમ બની છે. તેમણે સહકારી ક્ષેત્રની ભૂમિકાને બિરદાવતા કહ્યું કે, “ગામનું નાણું ગામમાં જ રહે” એ ભાવનાને સહકારી ક્ષેત્રે ચરિતાર્થ કરી છે.
આ પ્રસંગે ધી સરદાર પટેલ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી લિમિટેડના ચેરમેન શ્રી વી. એન. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. આ ભવ્ય રજત જયંતિ મહોત્સવમાં મહેસાણા લોકસભાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંક નાયક, વિજાપુરના ધારાસભ્ય ડો. સી જે ચાવડા, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, વિજાપુરના પૂર્વ ધારાસભ્યો શ્રી કાંતિભાઈ પટેલ,
શ્રી રમણભાઈ પટેલ, અને શ્રી પી. આઈ. પટેલ, મહેસાણાના કલેક્ટર શ્રી એસ. કે. પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી ડો. હસરત જૈસમીન, ઉત્તર ગુજરાત કો-ઓપરેટીવ સોસાયટી ફેડરેશનના ચેરમેન શ્રી કાંતિભાઈ પટેલ, સોસાયટીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી બાબુભાઈ પટેલ અને મહેસાણાના અગ્રણી શ્રી ગિરીશભાઈ રાજગોર સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.