વિકાસ રથમાં 1.70 લાખથી વધુ નાગરિકોએ જોડાઈને વિકાસ સપ્તાહ અંતર્ગત “ભારત વિકાસ શપથ” લીધા

ગામડે-ગામડે ફરતા રથના માધ્યમથી વિવિધ યોજનાના ૨૩,૬૦૦થી વધુ લાભાર્થીઓને રૂ. ૪૪.૬૭ કરોડથી વધુની સહાયનું વિતરણ
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ૨૪ વર્ષની જનસેવાને ઉજવવા રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રાજ્યના દરેક જિલ્લા દીઠ એક ‘વિકાસ રથ‘ને પ્રસ્થાન કરાવીને ગુજરાતની વિકાસ ગાથાને જન-જન સુધી પહોંચાડવાનું વિશેષ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ વિકાસ રથ ગામડે-ગામડે ફરીને વિવિધ યોજનાના લાભાર્થીઓને તેમના ઘર આંગણે જ સહાય તેમજ અન્ય નાગરિકોને સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપી રહ્યો છે.
છેલ્લા પાંચ દિવસમાં ગામડે-ગામડે ફરી રહેલા રાજ્ય સરકારના ૩૪ વિકાસ રથ સાથે રાજ્ય મંત્રી મંડળના સભ્યશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીઓ ઉપરાંત ૭,૨૦0થી વધુ સ્થાનિક પદાધીકારીશ્રી-અધિકારીશ્રીઓ અને ૧,૭૨,૦૦૦થી વધુ નાગરીકો જોડાયા હતા. આ પાંચ દિવસમાં વિકાસ રથના માધ્યમથી રાજ્યભરમાં કુલ રૂ. ૨૬૪.૯૨ કરોડથી વધુના ૪,૭૦૦ કામોના લોકાર્પણ તેમજ રૂ. ૨૧૮.૬૬ કરોડથી વધુના ૪,૫૫૪ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિકાસ રથના માધ્યમથી જ વિવિધ યોજનાના ૨૩,૬૦૦થી વધુ લાભાર્થીઓને કુલ રૂ. ૪૪.૬૭ કરોડથી વધુની સહાય વિતરણ કરવામાં આવી હતી. સાથે જ, વિકાસ રથ સાથે જોડાયેલા કુલ ૧,૭૦,૦૦૦થી વધુ નાગરિકોએ “ભારત વિકાસ પ્રતિજ્ઞા” પણ લીધી હતી.
ગુજરાત સરકારની આ વિકાસ યાત્રામાં રાજ્યના યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત તમામ વર્ગોને જોડવામાં આવી રહ્યા છે, જેથી “વિકસિત ભારત @ ૨૦૪૭”ના સંકલ્પને સાકાર કરવામાં દરેક નાગરિક પોતાનું મહત્તમ યોગદાન આપી શકે.