Western Times News

Gujarati News

નાનકડા ગામમાં રહેતી શ્રમિક પિતાની 12 વર્ષની દીકરીની NASA ટુર માટે પસંદગી

અદિતિ પાર્થે અમેરિકા જશે-૧૨ વર્ષીય અદિતિ પાર્થે કમ્પ્યુટરના માધ્યમથી લેવાયેલી પરીક્ષા પાર પાડીને આ પ્રેરણાદાયી સફળતા મેળવી છે

મુંબઈ,  મહારાષ્ટ્રના એક અત્યંત સામાન્ય પરિવારની ૧૨ વર્ષીય બાળકીએ એક અદભૂત સિદ્ધિ હાંસલ કરી છે. પુણે જિલ્લા પરિષદ દ્વારા આયોજિત પરિક્ષામાં ઉત્તમ દેખાવ કરીને એક નાનકડા ગામમાં રહેતી અદિતિ પાર્થે અમેરિકાની અમેરિકાની જગવિખ્યાત અવકાશ સંશોધન સંસ્થા ‘નાસા’ની મુલાકાતે જવા માટે પસંદગી પામી છે.

નવાઈની વાત એ છે કે, અદિતિના ઘરમાં સ્માર્ટફોન પણ નથી અને શાળામાં કમ્પ્યુટરની સગવડ પણ નથી. આમ છતાં એણે કમ્પ્યુટરના માધ્યમથી લેવાયેલી પરીક્ષા પાર પાડીને આ પ્રેરણાદાયી સફળતા મેળવી છે.

અદિતિ પાર્થે પુણેના ભોર તાલુકાના એક નાનકડા ગામમાં માતા-પિતા સાથે રહે છે. તેના માતા ગૃહિણી છે અને પિતા પુણેના માર્કેટ યાર્ડમાં હમાલી (મજૂરીકામ) કરે છે. આ ગરીબ પરિવાર સાદું જીવન જીવે છે. ઘરમાં સ્માર્ટ ફોન પણ નથી. પોતાના ઘરથી સવા ત્રણ કિલોમીટર દૂર નિગુડાઘરમાં આવેલી જિલ્લા પરિષદ શાળા સુધી અદિતિ દરરોજ ચાલતી જાય-આવે છે.

‘ઇન્ટર-યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સ’ IUCAA ના સહયોગથી એક સ્પર્ધા આયોજિત કરાતી હતી. ત્રણ તબક્કામાં થયેલી આ પરીક્ષામાં ધોરણ ૬ અને ૭ માં ભણતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પહેલા રાઉન્ડમાં બહુવિકલ્પી પ્રશ્નોના જવાબ આપવાના હતા. એમાં ૭૫ સ્કૂલના ૧૩,૬૭૧ વિદ્યાર્થી સામેલ થયા હતા.

અદિતિની શાળામાં કમ્પ્યુટર પણ ન હોવાથી તેના શિક્ષક અશોક બંદલેએ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને અંગત લેપટોપ પર કમ્પ્યુટરની મૂળભૂત જાણકારી આપી હતી. જનરલ નોલેજના બે રાઉન્ડ પાર કર્યા પછી ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ૈંંઝ્રછછ ખાતે વ્યક્તિગત મુલાકાત આપવાની હતી, જેમાં જીવ વિજ્ઞાન, ગણિત, ભૂગોળ વગેરે વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

આ કઠિન પરીક્ષા પાસ કરીને હજારોમાંથી ફક્ત ૨૫ વિદ્યાર્થી નાસા જવા માટે પસંદગી પામ્યાં હતાં, જેમાંની એક અદિતિ છે. અદિતિને મળેલી સફળતાથી એના પરિવાર અને ગામમાં ખુશીનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક મીડિયામાં અદિતિની સિદ્ધિ પ્રસિદ્ધ થયા પછી અદિતિને એક સાયકલ અને એક બૅગની ભેટ મળી છે. અદિતિના શિક્ષકો કહે છે કે, ભણવા ઉપરાંત અદિતિ રમત-ગમત, વક્તૃત્વ અને નૃત્યમાં પણ નિપુણ છે. તેનામાં વિશેષ ટેલેન્ટ છે.

પહાડી અને જંગલ વિસ્તારમાં આવેલું અદિતિનું ગામ ખૂબ પછાત છે. ગામના લોકો તેમના બાળકોને ભણાવવા ઈચ્છે છે, કેમ કે જે શિક્ષિત નહીં બને એની પાસે મજૂર બનવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. ગામની કોઈ વ્યક્તિ આજ સુધી વિમાનમાં નથી બેઠી. અદિતિ પોતે પણ કદી ટ્રેનમાં નથી બેઠી; તે હવે હવાઈ મુસાફરી કરીને અમેરિકા જશે.

જિલ્લા પરિષદે વિદ્યાર્થીઓ માટે પાસપોર્ટ બનાવવાની પ્રક્રિયા પૂરી કરી દીધી છે અને યુ.એસ. કોન્સ્યુલેટમાં ઝડપી વિઝા માટેની અરજી કરી છે. આ પ્રવાસનો ખર્ચ લગભગ ૨.૨ કરોડ રૂપિયા જેટલો થવાનો છે, જે સંપૂર્ણ રીતે જિલ્લા પરિષદ અને જિલ્લા આયોજન વિકાસ સમિતિ (ડ્ઢઁડ્ઢઝ્ર) દ્વારા વહન કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.