Western Times News

Gujarati News

નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન હેઠળ દસ્ક્રોઈના પીરાણા ખાતે સક્ષમ સેન્ટર શરૂ કરાયું

સક્ષમ સેન્ટરમાં સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સાક્ષરતાની તાલીમ અને માર્ગદર્શન મળી રહેશે

ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મિરોલી ક્લસ્ટર લેવલ ફેડરેશનની ઑફિસનું ઉદ્ઘાટન

નેશનલ રૂરલ લાઇવલીહુડ મિશન (NRLM) યોજના હેઠળ સ્વ-સહાય જૂથોની મહિલાઓને નાણાકીય સાક્ષરતાની તાલીમ અને માર્ગદર્શન મળી રહે તેવા શુભ હેતુથી દસ્ક્રોઈ તાલુકાના પીરાણા ગામે ગ્રામ હાટમાં ‘સક્ષમ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો.

આ પહેલથી ગ્રામીણ મહિલાઓ આર્થિક વ્યવહારોમાં વધુ સક્ષમ બનશે. આ સાથે જ, ગ્રામીણ વિકાસ પ્રવૃત્તિઓને વેગ આપવા માટે મિરોલી ક્લસ્ટર લેવલ ફેડરેશન(CLF)ની ઑફિસનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

સક્ષમ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ બેન્કિંગ અને વીમા ક્ષેત્રના પ્રતિનિધિઓ જેમ કે, ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સના ડીજીએમ સુશ્રી સુજાતાબહેન, LICના ડેવલપમેન્ટ ઑફિસર શ્રી મનોજકુમાર મીના અને સુશ્રી રશ્મિકા રાણા, તથા SBI ક્લસ્ટર ફેડરેશન કાઉન્સિલર શ્રી પિનાકીન દવે દ્વારા બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપરાંત, બહેનોને બેન્કિંગ અને વીમાને લગતી વિવિધ યોજનાઓ વિશે તેમજ NRLM યોજનાની વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ સેન્ટર દ્વારા બહેનોને નાણાકીય વ્યવસ્થાપનમાં મદદ મળશે તેવી જાણકારી આપવામાં આવી હતી.

વધુમાં, પીરાણા આરોગ્યધામના ડૉક્ટર સુશ્રી સ્મૃતિ ઠક્કરે ગામની બહેનો અને તેમના પરિવારજનોમાં તમાકુની કુટેવના નકારાત્મક પ્રભાવો વિશે સમજણ આપી હતી. તેમણે તમાકુના કારણે ઉદ્ભવતી આરોગ્ય સમસ્યાઓ, કૌટુંબિક પ્રશ્નો અને આ પરિબળોની આજીવિકા પર થતી અસર વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કુટેવ છોડવા માટે વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી સહાયક સેવાઓ વિશે પણ માહિતી આપીને જાગૃતિ ફેલાવી હતી.

આ પ્રસંગે પીરાણા ગામના સરપંચ શ્રી નરેશભાઈ ડાભી, તલાટી શ્રી, ભૂતપૂર્વ સરપંચ શ્રી અજયભાઈ બારૈયા, મિરોલી CLFના સભ્યો તથા સખી મંડળની બહેનો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA), અમદાવાદ તરફથી જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી ભૂપેન્દ્રભાઈ અને આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર શ્રી શ્યામ મોહનસિંહ, શ્રી પરેશભાઈ ગઢવી, શ્રી સુરેશભાઈ પટેલ સહિતનો સ્ટાફનાં લોકો હાજર રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.