એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સુવિધાઓ બાબતે સુપ્રીમે કેન્દ્રનો જવાબ માગ્યો

નવી દિલ્હી, એમ્બ્યુલન્સમાં હંમેશા જરૂરી લાઈફ સપોર્ટ સુવિધા રાખવા અને તેને કાર્યરત સ્થિતિમાં જાળવવાની દાદ માગતી અરજી સંદર્ભે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસે ખુલાસો માગ્યો છે.
એમ્બ્યુલન્સમાં લાઈફ સપોર્ટ સીસ્ટમ ન હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ પોતાના પિતા ગુમાવનારી દીકરીએ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.
જાણીતા કાર્ડિયો-થોરાસિસ સર્જન અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસના ડાયરેક્ટર ડૉ. પી વેણુગોપાલની દીકરી સાઈઅંશા પનનગિપલ્લી અને પત્ની પ્રિયા સરકારે રજૂઆત કરી હતી કે, ડૉ. વેણુગોપાલને હોસ્પિટલના ઈમરજન્સી રૂમમાં લઈ જવાય તે પહેલાં જ તેઓ એમ્બ્યુલન્સમાં મૃત્યુ પામ્યા હતા.
એમ્બ્યુલન્સમાં ઈમરજન્સી લાઈફ સપોર્ટ સુવિધા ન હોવાના કારણે તેમને ઓક્સિજન મળી શક્યો ન હતો. જેના કારણે ડૉ. વેણુગોપાલનું નિધન થયું હતું.પિતાના નિધન બાદ અરજદારને લાગ્યુ હતું કે, દેશભરની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સહિતની ઈમરજન્સી લાઈફ સપોર્ટ સુવિધાનો અભાવ છે. આ બાબતે કોઈ ચોક્કસ નિયમો ન હોવાથી સ્થિતિ અત્યંત ચિંતાજનક બની છે.
એમ્બ્યુલન્સમાં જીવન રક્ષક સારવાર મળી રહે તો અનેક જીવ બચી શકે છે. નેશનલ હેલ્થ મિશનના ૧૬મા કોમન રીવ્યૂમાં પણ અનેક રાજ્યોમાં એમ્બ્યુલન્સનું મિસમેનેજમેન્ટ હોવાનું કહેવાયું છે.
સુપ્રીમ કોર્ટે અરજીને સુનાવણી માટે ગ્રાહ્ય રાખી એમ્બ્યુલન્સના ઓપરેશન, મેન્ટેનન્સ અને રેગ્યુલેશન્સ બાબતે હાલની સ્થિતિની સમીક્ષા કરવા અને વાસ્તવિક પરિસ્થિતિમાં તેની સેવામાં આવતી ક્ષતિને સુધારવા માટે સ્વતંત્ર સમિતી બનાવવા અને માર્ગદર્શિકા તૈયાર કરવા બાબતે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી ખુલાસો માગ્યો છે.SS1MS