ક્રેડિટ કાર્ડની લિમીટ વધારવાના બહાને રૂપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવ્યો

ગાંધીનગર , ડિજિટલ એરેસ્ટ અને ઓનલાઇન ફ્રોડના વધતા કિસ્સામાં વધુ એકનો ઉમેરો થયો છે. તેમાં ઓનલાઇન ફ્રોડ કરનાર ડોક્ટરને શિકાર બનાવીને ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવાના બહાને રૃપિયા ૧.૨૫ લાખનો ચુનો લગાવી દીધો હતો.
એચડીએફસી બેંકના વિભાગમાંથી વાત કરતી હોવાનું જણાવી અજાણી મહિલાએ વોટ્સએપ વિડીયો કોલ કરીને વાતો દરમિયાન ઓટીપી મેળવી લઇને સ્વીગી ફૂડમાં નાણાનું ટ્રાન્ઝેક્શન કરી નાંખ્યુ હતું.
ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં શ્રીફળ હાઇટ્સમાં રહેતા મુળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરના વતની અને સૌરાષ્ટ્રમાં આટકોટ ગામે આવેલી મેડિકલ કોલેજમાં પ્રોફેસર તરીકે નોકરી કરતાં ડો. કેયુર ખિમદાસભાઇ નિમાવતે ઇન્ફોસિટી પોલીસ મથકમાં આ બનાવ સંબંધે નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા પ્રમાણે ગત મે મહિનાની તારીખ ૨૩મીએ બપોરના સમયે તેના પર અજાણી મહિલાનો વોટ્સઅપ વોઇસ કોલ આવ્યો હતો. જેમાં એચડીએફસી બેંકને ક્રેડિટ કાર્ડ વિભાગમાંથી વાત કરતી હોવાનું જણાવીને તેણે ક્રેડિટ કાર્ડની લીમીટ વધારી શકાય તેમ હોવાનું જણાવતા ફરિયાદી ડોક્ટરે હા પાડી હતી. જેના પગલે મહિલાએ વિડીયો કોલ કર્યાે હતો.
પરંતુ તેમાં તેનો ચહેરો દેખાતો ન હતો, પરંતુ એચડીએફસી બેંકનો લોગો દેખાતો હતો. અજાણી મહિલાએ ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવા સંબંધેની વાતો કરીને વિશ્વાસ કેળવ્યો હતો. તે દરમિયાન ઓટીપી નંબર આવ્યો હતો અને થોડીવારમાં જ ક્રેડિટ કાર્ડમાંથી રૃપિયા ૧,૨૫,૦૦૪નું ટ્રાન્ઝેક્શન થયાનો ઇ મેઇલ તથા ટેક્સ્ટ મેસેજ પણ આવ્યો હતો.
આ દરમિયાન જ બીજો ઓટીપી પણ આવતાં શંકા પડવાથી ફરિયાદીએ વિડીયો કોલ કાપી નાંખ્યો હતો. મેસેજ વિગતે જોતા સ્વીગી ફૂડમાં ટ્રાન્ઝેક્શન થયાનું જણાયુ હતું.
ફરિયાદીએ તુરંત સાયબર હેલ્પ લાઇન૧૯૩૦ પર ઓનલાઇન ફરિયાદ કરવા સાથે બેંકમાં પણ જાણ કરી હતી. પરંતુ બેંક દ્વારા કાર્ડના બિલની રકમ ભરપાઇ કરવા માટે અવાર નવાર ફોન કરીને એફઆઇઆરની નકલ માંગતા હોવાથી આખરે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.SS1MS