279 મોબાઈલ સાથે એર ઈન્ડિયાના એન્જીનિયર સહિત ત્રણ ઝડપાયા

ભીડભાડવાળા વિસ્તારો તેમજ BRTS બસોમાં મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલ ચોરી કરતા હતા અને એન્જીનીયરને વેચી દેતા હતા.-આરોપી ધીરજ ચોરી કરેલા મોબાઈલ ખરીદ્યા બાદ મોબાઈલના મધર બોર્ડ્સ સહિતના પાર્ટ્સ કાઢી લેતો હતો અને તે પાર્ટ્સ વેચતો હતો.
(એજન્સી) સુરત, શહેરમાં મોબાઈલ ચોરી અને સ્નેચીંગના બનાવો વધી રહ્યા છે. લોકો મોબાઈલ ચોરો અને સ્નેચરોના શિકાર બની રહયા છે. આ પરિસ્થિતિઓ વચ્ચે ઉધના પોલીસને મોટી સફળતા હાથ લાગવાની સાથોસાથ એક ચોંકાવનારી વાત પણ સામે આવી છે.
પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરાયેલા મોબાઈલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના રૂ. ૧૬.૭૯ લાખની કિંમતના ૨૭૯ મોબાઈલ કબ્જે કરાયા છે. એટલું જ નહીં, પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી એર ઈન્ડિયામાં એન્જીનીયર છે.
સાથે જ પોલીસે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા મોબાઈલ ચોરીના ગુનાના ભેદ પણ ઉકેલી લીધા છે. બે આરોપીઓ ભીડભાડવાળા વિસ્તારો તેમજ બીઆરટીએસ બસોમાં મુસાફરોને ટાર્ગેટ કરી મોબાઈલ ચોરી કરતા હતા અને એન્જીનીયરને વેચી દેતા હતા.
સુરત શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સહીતના પોલીસ અધિકારીઓએ મોબાઈલ ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા જરૂરી સૂચના આપી હતી. આ સૂચનાના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એન. દેસાઈ તથા સેકન્ડ પીઆઈ જે.એસ. ઝાંબરેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા.
બાતમીના આધારે ઉધના ખત્રી નગર પાસે બ્રીજ નીચેથી આરોપીઓ:
- રવી રૂમાલભાઈ રાજનટ- સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ (બંને રહે સંતોષીનગર ઝુપડપટ્ટી નવાગામ, ડીડોલી) નાઓને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી કુલ ૧૫ મોબાઈલ કબ્જે કર્યા હતા.
આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતાં તેઓએ જેને મોબાઈલ વેચાણ માટે આપતા હતા તે આરોપી ધીરજ રવિન્દ્રભાઈ ઝોપે (રહે જગદમ્બાનગર, સી.આર.પાટીલ રોડ પાસે, ડીંડોલી) ની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેના ઘરે જઈ તપાસ કરતા ત્યાંથી કુલ ૨૭૯ અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. ૧૬.૭૯ લાખની કિંમતના મોબાઈલ કબ્જે કર્યા હતા.
ગુનાની કબૂલાત અને ચોંકાવનારી વિગતો
મોબાઈલ ફોન વિશે પૂછપરછ કરતા આરોપીઓએ કબૂલાત કરી હતી કે તેઓ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચુકવી તેમના ખિસ્સામાંથી તથા બી.આર.ટી.એસ. બસમાં મુસાફરી કરતા પેસેજરોની નજર ચુકવી ભીડનો લાભ લઇ ચોરી કરતા હતા. આરોપીઓની ધરપકડ કરવાથી પોલીસે અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાયેલા ૧૨ ગુનાના ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે: પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી આરોપી ધીરજ રવિન્દ્રભાઈ ઝોપે એર ઈન્ડિયામાં એન્જીનીયર છે.
અન્ય બે આરોપીઓ (રવી રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ) લોકલ મોબાઈલ ચોર છે. તેઓ ચોરી કરેલા મોબાઈલ ફોન આરોપી ધીરજ ઝોપેને વેચાણ કરતા હતા.
આરોપી ધીરજ ચોરી કરેલા મોબાઈલ ખરીદ્યા બાદ મોબાઈલના મધર બોર્ડ્સ સહિતના પાર્ટ્સ કાઢી લેતો હતો અને તે પાર્ટ્સ વેચતો હતો.
પકડાઈ ન જાય તે માટે તે મોબાઈલના પાર્ટ્સ વેચતો હતો અને આવું તે પૈસા કમાવવા માટે છેલ્લા દોઢ-બે વર્ષથી કરી રહ્યો હતો.
આરોપી સંતોષ ઉર્ફે લંગડા બહુ જ રીઢો છે અને તેની વિરુદ્ધમાં શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ૧૬ ગુના નોંધાયેલા છે.