ધોળે દિવસે ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા 5.40 લાખના દાગીના લઈ ગયા

પ્રતિકાત્મક
જેતપુર, શહેરના અત્યંત વ્યસ્ત મતવા શેરી વિસ્તારમાં આવેલી ‘મહેન્દ્રકુમાર એન્ડ સન્સ’ નામની સોના-ચાંદીની પેઢીમાં ગ્રાહક બનીને આવેલા બે અજાણ્યા શખ્સોએ વેપારી યુવકની નજર ચૂકવી રૂ. ૫.૪૦ લાખની કિંમતના સોનાના પેન્ડલની ઉઠાંતરી કરી હતી. યુવાન વેપારી આદિત્યભાઈ તેજસભાઈ હરસોરા (ઉં.વ.૧૯) દુકાને હાજર હતા.
માથા પર સફેદ ટોપી અને માસ્ક પહેરેલો એક હિન્દી ભાષી શખ્સ કાનમાં પહેરવાની કડીઓ ખરીદવાના બહાને આવ્યો હતો. યુવકનું ધ્યાન ભટકાવી આરોપીએ કાઉન્ટર પર પડેલી સોનાના પેન્ડલ ભરેલી ડબી હાથ ચાલાકીથી સેરવી લીધી હતી અને દુકાનથી થોડે દૂર મોટરસાયકલ પર ઉભેલા સાગરિત સાથે ફરાર થઈ ગયો.
ચોરી થયેલ ડબીમાં કુલ ૫૦ જેટલા સોનાના પેન્ડલ હતા, જેનું વજન આશરે ૫૦ ગ્રામ હતું અને તેની કુલ કિંમત રૂ. ૫,૪૦,૦૦૦/- થવા જાય છે. પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૫(બે), ૫૪ મુજબ ચોરી અને મદદગારીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.