Western Times News

Gujarati News

હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદીએ ૮ વર્ષમાં રૂ.૧૯ કરોડથી વધુનું દાન આપ્યું

જન્મ દિને વઢવાણમાં સર્વરોગ નિદાન, રક્તદાન કેમ્પ યોજાયો-૧૩ સરકારી શાળાઓ ચણીને સરકારને દાનમા આપી છે. 

રાજકોટ, જાણીતા હાસ્ય કલાકાર, લેખક, ઉમદા સમાજ સેવક જગદીશ ત્રિવેદીએ તા.૧રને રવિવારે આઠમા વરસનું સેવાનું સરવૈયુ પ્રગટ કર્યું હતું. આજ દિવસ સુધીમાં એમણે ૧૯,ર૩,પ૭,૬૩૪ રૂપિયાનું દાન કર્યું છે. મજાની વાત એ છે કે જગદીશ ત્રિવેદી કોઈપણ જાતના નાત-જાત-ધર્મ કે ભાષાના ભેદ વગર માનવમાત્રની સેવા કરે છે અને તે માત્ર આરોગ્ય, શિક્ષણમાં દાન કરે છે. Famous Gujarati literalist’s donation crosses Rs. 19 crores ($ 2.3m)

આ ૧૯.ર૩ કરોડમાંથી એમણે ૧૩ સરકારી શાળાઓ ચણીને સરકારને દાનમા આપી છે. બે શાળાઓ નિર્માણાધીન છે. તદુપરાંત નવ સાર્વજનિક પુસ્તકાલયો, એક છાત્રાલય, એક બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને આઠ વરસમાં કુલ પચીસ જેટલી ઈમારતો ચણીને સમાજને અર્પણ કરી છે.

અનેક જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ એમણે સહાય કરી છે. તેમના જન્મદિવસ અંતર્ગત વઢવાણ ખાતે સદગુણાબહેન સી.યુ.શાહ પ્રસુતિગૃહ જયાં આજથી અઠ્ઠાવન વરસ પહેલા જગદીશ ત્રિવેદીનો જન્મ થયો હતો. ત્યાં કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ શિહોરા, વિધાનસભાના મુખ્ય દંડક, વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે,

આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશભાઈ કોટેચા, સ્વામિનારાયણ વિદ્યાર્થી ભવનના મહાત્મા સ્વામી, જાણીતા તબીબ, સમાજસેવક ડો. પી.સી.શાહ, વઢવાણના રાજવી પરિવારના ભવાનસિંહજી મૌર્ય તેમજ પ્રસૂતિગૃહના પ્રમુખ નવીન મણિયાર તેમજ મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં જગદીશ ત્રિવેદીના પુસ્તક “Social audit of Social service”નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ જન્મદિવસ નિમિત્તે સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પનું આયોજન હતું.

ઝાલાવાડના રાજપુત સમાજે ડો. જગદીશ ત્રિવેદી માટે પોતાનો સદભાવ વ્યકત કરતાં સૌપ્રથમ પ૮ રાજપુત યુવક-યુવતીઓએ રકતદાન કર્યું હતું. ડો. પી.સી.શાહ અને ડો. નેહલ મનીષ પંડ્યાએ આ પ્રસંગે રૂ.૧,૦૮,૦૦૦/- રૂપિયા, પટેલ સમાજના આગેવાન,

અમદાવાદના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ વરમોરાએ પ૮,૦૦૦/- રૂપિયા જગદીશ ત્રિવેદીએ એમના સેવાયજ્ઞ માટે આપ્યા હતા. જે જગદીશ ત્રિવેદીએ નિર્માણાધિન સ્વામી સચ્ચિદાનંદજી શાળાને અર્પણ કર્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરા તરફથી પણ જગદીશ ત્રિવેદીનું શાલ, પુસ્તક વડે સન્માન કરાયું હતું.

જગદીશ ત્રિવેદી હાસ્યકલાકાર, હાસ્યલેખક, કવિ , ચિંતક હોવાની સાથે ઉમદા સમાજસેવક પણ છે. એમણે ત્રણ વખત પીએચ.ડી. કર્યું છે અને બે વિદ્યાર્થીએ એમના સાહિત્ય ઉપર પીએચ.ડી. કર્યું છે.

એમણે 28થી વધુ દેશોની કુલ 76 વિદેશયાત્રાઓ કરીને દેશ-પરદેશમાં સાડા ત્રણ હજારથી વધુ કાર્યક્રમો આપ્યા છે. તદુપરાંત, તેમજ 82 પુસ્તકો લખ્યા છે, જેમાંથી ૬ પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમીએ પુરસ્કૃત કર્યા છે અને એક પુસ્તકને ગુજરાતી સાહિત્ય પરીષદ તરફથી “જ્યોતિન્દ્ર દવે” પારિતોષિક મળ્યું છે.

એમનો લખેલો એક નિબંધ ગુજરાત રાજ્યના સાતમા ધોરણના પાઠ્યપુસ્તકમાં વરસો સુધી હતો અને બીજે એક નિબંધ મહારાષ્ટ્ર રાજ્યના નવમા ધોરણના પાઠ્યપુસ્તકમાં હાલ પણ સમાવિષ્ટ છે. જગદીશભાઈ છેલ્લાં સાડા સાત વર્ષથી પોતાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ આવક આરોગ્ય અને શિક્ષણમાં દાન કરે છે જેમાં તે વહીવટી ખર્ચ પણ લેતા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.