Western Times News

Gujarati News

શ્રી સરસ્વતી હાઇસ્કૂલ, ડેભારીના શિક્ષકને વડોદરામાં મળ્યો રાષ્ટ્રીય સ્તરનો એવોર્ડ

બેસ્ટ ક્રિએટિવ શિક્ષક એવોર્ડથી મહીસાગર જિલ્લાના અરવિંદ કે. પટેલ સન્માનિત

(પ્રતિનિધિ) વડોદરા, મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના ડેભારી ગામની શ્રી સરસ્વતી હાઇસ્કૂલના ખંતીલા અને ઉત્સાહી શિક્ષક શ્રી અરવિંદ કે. પટેલને શિક્ષણ ક્ષેત્રે અનોખા યોગદાન બદલ “બેસ્ટ ક્રિએટિવ ટીચર એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.

વડોદરાના વાણિજ્ય ભવન ખાતે આયોજિત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમની દરમિયાન આ સન્માન આપવામાં આવ્યું હતું.

આ એવોર્ડ ગુજરાત બાલ પ્રતિષ્ઠાન તથા બાલ રક્ષક પ્રતિષ્ઠાન, મહારાષ્ટ્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં શ્રી અરવિંદ પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મહારાષ્ટ્ર, ગુજરાત, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ સહિતના અનેક રાજ્યોના શિક્ષણજગતના પ્રતિનિધિઓ અને મહાનુભાવો હાજર રહ્યા હતા.

આ પ્રસંગે પ્રતિષ્ઠાનના પ્રમુખ શ્રી મનોજ ચિચોરે, મંત્રી નરેશ બાઘ, વડોદરાના શિક્ષણ બોર્ડના મદદનીશ સચિવ શ્રી પુલકીતભાઈ જોશી, પૂર્વ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી નૈષેધ મકવાણા, વડોદરા બીજેપી પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની, પૂર્વ નાયબ કુલપતિ ડૉ. રમેશચંદ જી. કોઠારી તથા ડૉ. જનકસિંહ મીના સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અરવિંદ પટેલ વર્ષોથી શિક્ષણક્ષેત્રે નવીન પ્રયોગો, વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા તેમજ માનવીય મૂલ્યોના વિકાસ માટે સતત કાર્યરત છે. તેમના નેતૃત્વ હેઠળ શ્રી સરસ્વતી હાઇસ્કૂલ, ડેભારી શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રોમાં આગેવાન બની છે. પર્યાવરણ જાગૃતિ, સ્વચ્છતા અભિયાન, ડિજિટલ શિક્ષણ અને સામાજિક જવાબદારી જેવા અનેક કાર્યક્રમો તેમણે સફળતાપૂર્વક અમલમાં મૂક્યા છે.

આ એવોર્ડ દ્વારા અરવિંદ પટેલના શિક્ષણ પ્રત્યેના સમર્પણ, નવીન દ્રષ્ટિકોણ અને શિક્ષક સમુદાય માટેના પ્રેરણાદાયી કાર્યને માન્યતા આપવામાં આવી છે. તેમની સિદ્ધિએ માત્ર ડેભારી શાળાનું જ નહીં પરંતુ સમગ્ર વીરપુર તાલુકા અને મહીસાગર જિલ્લાના ગૌરવમાં વધારો કર્યો છે. શિક્ષણ ક્ષેત્રે આવા સર્જનાત્મક અને મૂલ્યઆધારિત શિક્ષકો દેશના ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે અને અરવિંદ કે. પટેલ તેનું જીવંત ઉદાહરણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.