Western Times News

Gujarati News

મ્યુનિ. શાસકોએ હકારાત્મક પ્રતિભાવ આપતા નોકર મંડળની હડતાળ સમેટાઈ

AI Image

ફાયર વિભાગના કર્મચારીઓની માંગણી માટે બે વિકલ્પ આપવામાં આવ્યા

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ દ્વારા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવા સહિત અલગ અલગ માંગણીઓ પૂર્ણ કરવા માટે છેલ્લા ૧૦ દિવસથી પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા હતાં આ અગાઉ સતત બે દિવસ સુધી ખુબ જ મોટી સંખ્યામાં નોકર મંડળના પ્રતિનિધિઓ અને કાર્યકરોએ કોર્પોરેશનની બહાર ઉગ્ર દેખાવ કર્યા હતાં

તેમની સાથે ફાયર વિભાગના કર્મચારીઓ પણ ર૪ કલાકના બદલે શીફટ દીઠ કામ કરવાની માંગણી સાથે જોડાયા હતાં. નોકર મંડળની માંગણીઓ પૂર્ણ ન થતાં ૧૩ ઓકટોબરથી ઉપવાસની ચેતવણી પણ આપવામાં આવી હતી

પરંતુ મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટી ચેરમેને નોકર મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સંતોષજનક પ્રત્યુતર આપ્યો હતો તેથી હડતાળ સમેટાઈ હતી તેમની સાથે ફાયર વિભાગના કર્મચારીઓને પણ બે વિકલ્પ આપવામાં આવ્યા છે.

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે મ્યુનિસિપલ કોર્પોરેશન નોકર મંડળ દ્વારા સફાઇ કામદારોની કોન્ટ્રાક્ટર તથા અને ફાયર બ્રિગેડના કર્મચારીઓના સમય અંગેની અલગ માંગણીઓ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

જેમાં ફાયર બ્રિગેડના કર્મચારીઓ ને આઠ કલાકની નોકરી બાબતે રજૂઆત હતી જેમાં બે વિકલ્પ આપવામાં આવ્યા છે ૨૪ કલાક નોકરી ચાલુ રહેશે અથવા તો આઠ કલાકની નોકરી હોય તો તેમને રહેણાંક અને લાઈટ બિલ મળે છે તે બંધ કરવામાં આવશે.

ફાયર બ્રિગેડમાં ભરતી પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે આગામી બે મહિનામાં ફાયર વિભાગમાં નવા ફાયરમેનની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત અન્ય માંગણીઓ ઉપર પણ વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી છે જેથી આજે તેઓને પારણા કરાવીને ધારણા પ્રદર્શન પૂર્ણ કરવામાં આવ્યું છે.

નોકર મંડળ દ્વારા કર્મચારીઓને કાયમી કરવા માટે રજુઆત કરવામાં આવી હતી જે મામલે સ્ટેન્ડિગ ચેરમેને તેમની રજુઆત રાજય સરકારને મોકલી આપવામાં આવશે તેમજ સરકારના માર્ગદર્શન મુજબ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી જેના કારણે નોકર મંડળના પ્રતિનિધિઓને સંતોષ થતા હડતાળ સમેટાઈ હતી અને મ્યુનિ. ભવનમાં ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.