નડિયાદમાં સગીર દીકરીની આબરૂ લેવાની કોશિશ કરનારા પિતાને ૫ વર્ષ કેદની સજા

નડિયાદ, નડિયાદમાં દોઢ વર્ષ પહેલાં જન્મદિવસ નિમિત્તે મોબાઈલ ગિફ્ટ આપવાની લાલચ આપી સગા બાપે સગીરાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યાે હતો. આ કેસમાં આરોપીને નડિયાદ કોર્ટે આજે પાંચ વર્ષની કેદની સજા ફટકારી છે.
કોર્ટે આરોપીને ૧૭,૦૦૦ રૂપિયાનો દંડ પણ કર્યાે છે. ભોગ બનનાર કિશોરીને ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યાે છે.નડિયાદના એક વિસ્તારમાં રહેતા શખ્સે તા. ૨૬મી માર્ચ, ૨૦૨૪ના રોજ રાત્રીના આશરે ૧ વાગ્યાના સુમારે પોતાની જ સગી દિકરી (ઉં.વ. ૧૫ વર્ષ ૬ માસ)ને તેના જન્મદિવસે મોબાઈલ ગિફ્ટમાં આપવાની લાલચ આપી હતી.
ત્યારબાદ પિતાએ દિકરીનો હાથ ખેંચી ખોળામાં બેસાડી આબરૂ લેવાની કોશિશ કરી હતી. આ બનાવ દરમિયાન વચ્ચે પડેલા વ્યક્તિને માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે નડિયાદ શહેર પોલીસ મથકે આરોપી પિતા વિરુદ્ધ પોક્સો એક્ટ અન્વયે ગુનો નોંધાયો હતો.
દરમિયાન આ કેસ આજે નડિયાદના ત્રીજા એડી. ડિસ્ટ્રીક્ટ અને સ્પે. જજ (પોક્સો) પી.પી. પુરોહિતની કોર્ટમાં ચાલી ગયો હતો. ફરિયાદ પક્ષે કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા, ભોગ બનનારની સોગંદ ઉપરની જુબાની અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો હતો અને તેને ૫ વર્ષની કેદ અને ૧૭,૦૦૦ રૂપિયા દંડની સજા ફટકારતો હુકમ કર્યાે હતો.
આ સાથે જ કોર્ટે ભોગ બનનાર કિશોરીને ગુજરાત સરકારના નોટિફિકેશન મુજબ એક લાખ રૂપિયા વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યાે છે.SS1MS