દંપત્તિએ ૩ વર્ષની દીકરીને માતાજીનો અવતાર જાહેર કરી ધૂણતા શીખવ્યું

સુરતમાં દીકરીને મોગલ માનો અવતાર ‘ભૂઈ મા’ બનાવી લોકોને દાયકાથી છેતરતું દંપતી ઝડપાયું
વેલંજામાં રહેતા દંપતીએ દીકરીને ૩ વર્ષની ઉંમરે માતાજીનો અવતાર જાહેર કરી ધૂણતા શીખવ્યું અને શ્રદ્ધાળુઓ પાસેથી લાખો રૂપિયા ખંખરેતા હતા
સુરત, સુરતના વેલંજા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને સમાજ માટે ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં માતા-પિતાએ પોતાની સગી દીકરીને ભૂઈમા બનાવીને છેલ્લા ૧૦ વર્ષથી શ્રદ્ધાળુઓ સાથે છેતરપિંડી આચરી હતી. આ ઘટનાનો પર્દાફાશ ગુજરાત જન વિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવ્યો છે.
વેલંજામાં રહેતા પ્રિયાબેન અને જયસુખભાઈ બરવાળિયા નામના દંપતીએ પોતાની દીકરી, જેની હાલની ઉંમર આશરે ૧૩ વર્ષ છે, તેને માત્ર ૩ વર્ષની ઉંમરે માતાજીનો અવતાર જાહેર કરી ધૂણતા શીખવ્યું હતું. દીકરીના નામે ભોળા શ્રધ્ધાળુઓ પાસેથી મોટું આર્થિક વળતર મેળવતા હતા.
ધુણવાની સાથે આરતીમાં તલવાર રાસ શીખવી દીધો હતો. તેમજ ભૂઈમા થકી લોકોના દુઃખ દર્દ મટાડવા, સમસ્યાનો નિકાલ, ધંધા-રોજગાર માટે ટેક-બાધા રાખવી, પીડિતોના પ્રશ્નો ઉકેલવા ૨૧ હજારથી લઈને દોઢ લાખ રૂપિયાનો ધાર્મિક ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો.
આ સમગ્ર ધતિંગલીલાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ભૂઈમા બનેલી સગીર દીકરીએ જન વિજ્ઞાન જાથા સમક્ષ પોતાનું દર્દ વ્યક્ત કર્યું હતું. ભૂઈ માએ જાથાના સભ્યો સામે ત્રણ વખત રડીને કબૂલાત કરી હતી કે, મારે ધૂણવું નથી, હું માતા-પિતાના દબાણથી આ બધું કરું છું. આ કામ કરવા મજબૂર કરતા હતા. જ્યારે દીકરીએ ધૂણવાનું બઁધ કર્યું, ત્યારે માતા-પિતાએ ગુસ્સે થઈને તેને ઢોર માર માર્યાે હતો અને ઈજા પણ પહોંચાડી હતી.
આ દંપતીએ છેલ્લા ૧૦ વર્ષથી આ પ્રકારે છેતરપિંડી આચરી હતી. જન વિજ્ઞાન જાથાની ટીમ, પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી.પટેલ સાથે પોલીસ કાફલો ભૂઈમાના ઘરે પહોંચ્યો હતો. અચાનક પોલીસને જોઈ આરોપી-દંપતી હેબતાઈ ગયું હતું.
માતાજીના મઢને બદલે બાજુના રૂમમાં લઈ ગયા હતા. જાથાના હસ્તક્ષેપ અને સજાવટ બાદ પ્રિયાબેન અને જયસુખભાઈ બરવાળિયાએ સત્તાવાર રીતે તેમની છેતરપિંડીભરી ધતિંગલીલા બંધ કરવાની જાહેરાત કરી છે. જાથાએ આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર અનુપસિંઘ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યાે છે.