હિંમતનગર- મહેસાણાને જોડતો દેરોલ બ્રિજ નાના વાહનો માટે શરૂ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ) હિંમતનગર, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ નાના-મોટા બ્રિજની બિલ્ડ ક્વોલિટી યોગ્ય છે કે કેમ?તેના તપાસના આદેશો આપ્યા હતા ત્યારે હિંમતનગર-મહેસાણાને જોડતો અંદાજે ૬૦ વર્ષ જુનો દેરોલ બ્રીજ જર્જરીત હાલતમાં હોય તેનો રિપોર્ટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવ્યો હતો
જે બાદ નદીમાં સતત પાણીના પ્રવાહના કારણે સલામતીના ભાગરૂપે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો હતો. બ્રિજ બંધ કરાતા રોજિંદી મુસાફરી કરતા મુસાફરો ત્રાહિમામ પોકારી ગયા હતા
જેથી હિંમતનગર થી વિજાપુર જવા માટે વાહન ચાલકોને સમય અને પૈસાનો વેડફાટ થતો હતો ત્યારે રાજ્ય માર્ગ યોજના વિભાગ મહેસાણા દ્વારા તા.૧૪/૧૦/૨૦૨૫ ના રોજ દેરોલ બ્રિજ ચાલુ કરવા માટે મહેસાણા કલેક્ટર સહિત સંબંધિત વિભાગોમાં લેખિત પત્ર લખી જાણ કર્યા બાદ બ્રિજ પુનઃ શરૂ કરવામાં આવ્યો છે રાજ્ય માર્ગ યોજના વિભાગ મહેસાણા દ્વારા વાહન ચાલકો માટે શરતો આધીન બ્રિજ ચાલુ કરેલ છે
રાજ્ય માર્ગ યોજના મહેસાણાના કાર્યપાલક ઇજનેર લિંકન વાઘેલાએ જણાવ્યું હતું કે દેરોલ જર્જરિત બ્રીજ પુનઃ શરૂ કરવા માટે સલામતીના ભાગરૂપે બ્રિજમાં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે અને રંગ રોગાન કરી બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે બાઈક, મોપેડ,રીક્ષા અને ફોર વહિલર કાર માટે બ્રિજ ખુલ્લો મુકાયો છે
અઢી મીટર થી વધુ ઊંચાઈ ધરાવતા વાહનો તેમજ ભારે વાહનો આ બ્રિજ ઉપરથી પસાર થઈ શકશે નહીં માત્ર નાના વાહનો માટે બ્રિજ ચાલુ કરવામાં આવ્યો છે દેરોલ બ્રિજ પુનઃ શરૂ થતા વાહન ચાલકોમાં ખુશી વ્યાપી છે.