ટેટ-૧ પરીક્ષા ૧૪ ડિસેમ્બરથી નવા નિયમો સાથે લેવાશે

અમદાવાદ, રાજ્યની પ્રાથમિક સ્કૂલોમાં ધોરણ-૧થી ૫માં શિક્ષક બનવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ૧૪ ડિસેમ્બરના રોજ પરીક્ષા લેવામાં આવશે. ટેટ-૧ની પરીક્ષાને લઈને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં પરીક્ષા માટે ઉમેદવારો ૨૯ ઓક્ટોબરથી ઓનલાઈન આવેદનપત્ર ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
ટેટ-૧ પરીક્ષા માટે બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર, ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાની કાર્યવાહી ૨૯ ઓક્ટોબરથી શરૂ થશે અને ૧૨ નવેમ્બર સુધી ચાલશે. ફોર્મ ભરવા સાથે નેટ બેંકિંગ મારફતે ફી સ્વિકારવાની કામગીરી પણ ૨૯ ઓક્ટોબરથી જ શરૂ કરી દેવાશે અને ૧૪ નવેમ્બર સુધી ફી ભરી શકાશે.
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા હાલમાં પરીક્ષાની સંભવિત તારીખ ૧૪ ડિસેમ્બર નક્કી કરી છે. ધોરણ-૧થી ૫ની પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટે ઉમેદવારોએ નક્કી થયેલી શૈક્ષણિક અને તાલીમી લાયકાત મેળવવી જરૂરી છે.
જેમાં ઉમેદવાર ઓછામાં ઓછો ધોરણ-૧૨ પાસ અને તાલીમી લાયકાતમાં બે વર્ષ પીટીસી અથવા ચાર વર્ષનો એલિમેન્ટરી એજ્યુકેશન ડિગ્રી અથવા બે વર્ષનો ડિપ્લોમા ઈન એજ્યુકેશનનો કોર્ષ કરેલો હોવો જોઈએ. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારી ટેટ-૧ની પરીક્ષા બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની રહેશે. કસોટીમાં હેતુલક્ષી ૧૫૦ પ્રશ્નો રહેશે અને તેના જવાબો લખવા ૧૨૦ મિનીટનો સમય અપાશે.SS1MS