Western Times News

Gujarati News

મહેસાણા પાસે ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો ૯૫.૫૯ લાખનો જથ્થો સીઝ

મહેસાણા, મહેસાણાના ગિલોસણ ગામની સીમમાં યુક્રેન એસ્ટેટમાં આવેલી શિવાન ફૂડ પ્રોડક્ટ નામની ફેક્ટરીમાંથી તાલુકા પોલીસે શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી લેતાં ફૂડ વિભાગ દ્વારા ૧૮ જેટલા નમૂના લઈને રૂ.૯૫.૫૯ લાખનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળીના પર્વમાં મીઠાઈ-ફરસાણનું વેચાણ વધતું હોય છે ત્યારે લેભાગુ તત્ત્વો વધુ નાણાં કમાઈ લેવાની લાલચમાં માવો, મીઠાઈ, ફરસાણ વગેરે ખાદ્ય સામગ્રી પણ બનાવટી કે ભેળસેળવાળી સસ્તી સામગ્રીમાંથી બનાવીને લોકોના આરોગ્ય સાથે બિન્દાસ્ત ચેડાં કરતા હોય છે.

ત્યારે બાતમીના આધારે બે દિવસ પહેલાં રાત્રે મહેસાણા તાલુકા પીઆઈ ડી.જી. બડવા, પીએસઆઈ આર.આર. ચૌધરી સહિત ટીમે મહેસાણા તાલુકાના ગિલોસણ ગામની સીમમાં યુક્રેન એસ્ટેટનાં ચાર ગોડાઉનમાં આવેલી પટેલ હિતેશભાઈ ગોવિંદભાઈની મે. શિવાન ફૂડ પ્રોડક્ટમાં રેડ કરી હતી.

જ્યાં બનાવટી ભેળસેળિયું ઘી બનતું હોવાનું જણાતાં પોલીસે મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી.જેના પગલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ઈન્ચાર્જ અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર જે.જે. પ્રજાપતિ સહિત ટીમે ફેક્ટરીમાંથી અમૃત, ગૌઅમૃત, રાધેક્રિષ્ણા, ગૌધરા વગેરે બ્રાન્ડનાં દેશી ઘી, પ્યોર ઘી, ગાયનું ઘી વગેરે પેકિંગ તેમજ મોટી ટેન્કમાં સંગ્રહ કરેલા લૂઝ ઘીનાં કુલ ૧૮ જેટલાં સેમ્પલ લીધાં હતાં તેમજ અંદાજિત રૂ.૯૫,૫૯,૭૧૮ કિંમતનો કુલ ૧૬,૮૧૨ લિટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.