માર મારીને ફેંકી દેવાના ગુનામાં ત્રણને આજીવન કેદની સજા

મહેસાણા, મહેસાણામાં મિત્રના ઘરે આવેલા યુવકનું અપહરણ કરી માર મારીને રોડ પર ફેંકી દેવાના ગુનામાં ત્રણ આરોપીઓને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા અને દરેકને રૂ.૧૬ હજાર દંડનો આદેશ કર્યાે હતો.
મહેસાણાના ધોબીઘાટ રોડ પર ધરતી ટાઉનશિપમાં રહેતાં હંસાબેન ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર ચિરાગના જન્મદિવસ નિમિત્તે તા. ૧૭-૪-૨૦૧૯ના રોજ થરાદના રાહ ગામનો તેનો મિત્ર વિષ્ણુભાઈ હીરાભાઈ ચૌધરી તેના ઘરે આવ્યો હતો, જે સમયે હંસાબેનનો મોટો પુત્ર મૌલિક નોકરીએ ગયેલો હતો અને ચિરાગ અમદાવાદ ગયેલો હતો.
આ સમયે રાત્રે પરામાંથી આવેલા લક્ષ્મણભાઈ પટેલે તેમનો પુત્ર મૌલિક ક્યાં છે એમ પૂછીને તે એક યુવતીને ભગાડી ગયો હોવાની વાત કરી હતી. ત્યારબાદ રાત્રે નવેક વાગ્યે લક્ષ્મણભાઈ સાથે અન્ય ત્રણ જણા આવ્યા હતા અને ત્યાં હાજર વિષ્ણુભાઈને પકડીને ગાડીમાં બેસાડીને અપહરણ કરી ગયા હતા.
જેઓ અમારી દીકરી પાછી નહીં આવે ત્યાં સુધી તને જવા દેવાનો નથી એમ કહેતા હતા અને બલોલ ગામથી દૂર એક ખેતરમાં લઈ જઈ પાવડો અને ધોકાથી માર મારીને ઈજા પહોંચાડી હતી.
અન્ય ગાડીમાં બેસાડી એક સર્કલ નજીક ઉતારી દીધો હતો. લોહીલુહાણ હાલતમાં તે પડ્યા હતા ત્યારે પહોંચેલી પોલીસે તેમને સિવિલમાં દાખલ કર્યા હતા. આ બાબતે જોટાણા તાલુકાના કસલપુરના પટેલ ગોવિંદભાઈ જીવરામભાઈ, બલોલ આનંદપુરાના પટેલ સંજયભાઈ રમણભાઈ, પટેલ સમીરભાઈ રમણભાઈ અને મહેસાણાના પટેલ લક્ષ્મણભાઈ બબલદાસ સામે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આ કેસમાં સરકારી વકીલ ભરતકુમાર જી. પટેલે કોર્ટ સમક્ષ ૨૨ પુરાવા રજૂ કર્યા હતા અને ૨૦ સાક્ષીઓ તપાસી દલીલો કરી હતી. જે ગ્રાહ્ય રાખી મહેસાણાના સેશન્સ જજ એ.એલ.વ્યાસે આરોપી ગોવિંદભાઈ, સંજયભાઈ અને સમીરભાઈને આજીવન કેદની સજા અને દરેકને રૂ.૧૬ હજારનો દંડ ફટકારતો આદેશ કર્યાે હતો. જ્યારે પટેલ લક્ષ્મણભાઈને નિર્દાેષ જાહેર કર્યા હતા.SS1MS