બંધ ખાતાનો ચેક આપી વૃદ્ધ તબીબ સાથે ઠગાઇ, પિતા-પુત્ર સામે ફરિયાદ

અમદાવાદ, ઠક્કરબાપાનગર વિસ્તારમાં રહેતા તબીબ પાસેથી હાથ ઉછીના પૈસા લઇ પિતા-પુત્રએ ગલ્લાં તલ્લાં કર્યા બાદ એક ચેક આપ્યો હતો. જો કે, તબીબે તે ચેક ભરતા રિર્ટન થયો હતો અને જેમાં બેંકમાં એકાઉન્ટ બંધ થઇ ગયું હોવાનો શેરો હતો.
જેથી આ મામલે તબીબે પિતા-પુત્ર સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. ઠક્કરબાપાનગરમાં ૭૫ વર્ષિય ડો. પ્રફુલભાઇ નાનુભાઇ ઠાકર પોતાના પરિવાર સાથે રહે છે અને નિવૃત્ત જીવન ગુજારે છે. તેઓ પહેલાં ખોડિયારનગર ખાતે પોતાનું દવાખાનું ચલાવતા હતા. તે સમયે અયુબભાઇ મણીલાલ રાણા પરિવાર સાથે અવાર નવાર સારવાર માટે આવતા હતા.
જેથી તબીબ તેમને સારી રીતે ઓળખતા હતા અને પારિવારીક સંબંધો બંધાયા હતા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૪ના અયુબભાઇ અને તેમનો દીકરો આશિષ બન્ને પ્રફુલભાઇના ઘરે આવ્યા હતા.
અયુબભાઇએ જણાવ્યું હતું કે, મારા દીકરાને દેવું થઇ ગયું છે, થોડા મહિના માટે હાથ ઉછીના ૧.૧૫ લાખ રૂપિયા આપો. અમે તે પૈસા ચાર મહિનામાં પરત કરી દઇશું. પ્રફુલભાઇ રિનોવેશનનું કામ ચાલુ હોવાથી પૈસા બેંકમાંથી ઉપાડી ઘરે લાવ્યા હતા અને તેમાંથી ૧.૧૫ લાખ રૂપિયા અયુબભાઇ અને તેના દીકરાને ૨૫ ઓક્ટોબર ૨૦૨૪ના રોજ આપ્યા હતા. ત્યારબાદ પૈસા પરત આપવાનો સમય પૂરો થઇ જતા પ્રફુલભાઇએ પૈસા પરત માગ્યા હતા. ત્યારે પિતા-પુત્રએ ગલ્લા તલ્લ કર્યા હતા.
જો કે, પ્રફુલભાઇએ પૈસાની ઉઘરાણી કરતા ૨૪ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ અયુબભાઇ અને તેમનો દીકરો આશિષ ઘરે આવ્યા હતા અને આશિષના ખાતાનો ૧.૧૫ લાખનો ચેક આપી ગયા હતા અને ચેક ૨૯ ઓગસ્ટના રોજ ભરાવી દઇ પૈસા ઉપાડી લેવા કહ્યું હતું. જેથી ૨૯ ઓગસ્ટે પ્રફુલભાઇએ ચેક બેંકમાં ભર્યાે હતો. ત્યારે તે રિર્ટન થયો હતો અને તેમાં એકાઉન્ટ બંધ હોવાનો શેરો હતો.
બંધ એકાઉન્ટો ચેક આપી પિતા-પુત્રએ ઠગાઇ આચરી હોવાની ફરિયાદ અયુબભાઇ રાણા અને આશિષ સામે નોંધાતા પોલીસે તપાસ આદરી છે.SS1MS