મૃતદેહ પાસેથી મળેલી ચીઠ્ઠીના આધારે ગણતરીના કલાકોમાં સગીરાનો હત્યારો ઝડપાયો

AI Image
અમદાવાદમાં સગીરાની હત્યાનો ભેદ ઉકેલાયો: ૧ની ધરપકડ, મુખ્ય આરોપી ફરાર
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે રાત્રે હત્યાની એક ગંભીર ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં સરખેજ નજીક કેનાલમાંથી એક સગીરાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ટેકનિકલ સોર્સ અને મૃતદેહ પાસેથી મળેલી ચીઠ્ઠીના આધારે ગણતરીના કલાકોમાં મૃતદેહની ઓળખ કરી છે અને એક સહ-આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સરખેજ કેનાલમાંથી એક ડેડબોડી મળી આવ્યા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહમાંથી મળેલી ચીઠ્ઠીના આધારે એક વ્યક્તિનો નંબર મળ્યો, જેના દ્વારા મૃતદેહની ઓળખ મૃતક સગીરાની માતાએ કરી હતી.
મૃતક સગીરાની માતાએ પોલીસને જણાવ્યું કે, તેમની દીકરીની ઉંમર ૧૫ વર્ષ ૮ માસ હતી અને છેલ્લા બે-એક મહિનાથી તે તેના પ્રેમી અજય ઠાકોર સાથે ભાગી ગઈ હોવાની તેમને શંકા હતી. જોકે, તેમણે આ અંગે કોઈ પોલીસ ફરિયાદ કરી ન હતી. મંગળવારે જ્યારે પોલીસે મૃતદેહ બતાવ્યા બાદ સગીરાની માતાએ શંકા વ્યક્ત કરી હતી કે અજય ઠાકોરે જ તેની હત્યા કરી છે.
આ કેસની તપાસ ઝોન-૭ એલસીબી તથા સરખેજ પોલીસે હાથ ધરી હતી અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને હિતેશભાઈ પોપટભાઈ ઠાકોર (રહે. ફતેહવાડી, મૂળ રાજસ્થાન) નામના સહ-આરોપીની ધરપકડ કરી છે. જોકે, મુખ્ય આરોપી અજય ઠાકોર હજી ફરાર છે.
પકડાયેલા આરોપી હિતેશે પોલીસને જણાવ્યું કે, તે અને મુખ્ય આરોપી અજય ઠાકોર (જે રિક્ષા ચલાવે છે) મિત્રો છે. સોમવારે રાત્રે અજય સગીરાને લઈને રિક્ષામાં કેનાલની સાઈડમાં ગયો હતો. ત્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી.
અજયે હિતેશને કહ્યું કે, ‘તું આના હાથ પકડી રાખ, બહુ બોલે છે.’ હિતેશે હાથ પકડતા અજયે પોતાની પાસેથી છરી કાઢીને સગીરાના ગળાના ભાગે ઘા કર્યો હતો. ત્યારબાદ હિતેશ ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ મુખ્ય આરોપી અજય ઠાકોરે સગીરાને બોથડ પદાર્થથી માર માર્યો અને ત્યાંથી ઘસડીને તેને કેનાલમાં નાખી દીધો હતો, જેથી તેનું મૃત્યુ થયું હતું.
પકડાયેલા આરોપી હિતેશ અને મુખ્ય આરોપી અજય ઠાકોર મિત્રો છે. અજય ઠાકોર રિક્ષા ચલાવતો હોવાથી તેઓ સંપર્કમાં હતા. પકડાયેલા આરોપી હિતેશની અત્યાર સુધીની તપાસમાં કોઈ ગુનાહિત હિસ્ટ્રી નથી.
મૃતક સગીરાની માતા મૂળ સરખેજની છે અને તેની સાસરી ખંભાત ખાતે છે. અજય ઠાકોર સાથે પ્રેમસંબંધની જાણ થતાં માતા ખંભાત ગઈ હતી. જોકે, સગીરા બે-એક માસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી અને માતાને શંકા હતી કે તે અજય ઠાકોર પાસે જ હશે. આથી માતા મૂળ વતન સરખેજ આવીને રહેતી હતી.
પોલીસે હાલ સહ-આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને મુખ્ય આરોપી અજય ઠાકોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મુખ્ય આરોપી પકડાયા બાદ હત્યાના મૂળ કારણ અંગે વધુ વિગતો સામે આવશે.