જ્વેલર્સને પેપરમાં ચાંદીની લગડી વેચવાની જાહેરાત આપવી ભારે પડી!

પ્રતિકાત્મક
(એજન્સી)અમદાવાદ, દિવાળીના તહેવારોની સિઝન અને વૈશ્વિક બજારમાં ચાંદીના વધતા ભાવોને કારણે અમદાવાદ સહિત અનેક શહેરોમાં સોના-ચાંદીના ભાવ દિવસેને દિવસે ઉંચકાઈ રહ્યા છે, બીજી બાજુ સોના કરતા પણ ચાંદીની ડિમાન્ડમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
હાલમાં જ શહેરના એક જાણીતા જ્વેલર્સને પેપરમાં જાહેરાત કરવી ભારે પડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જ્વેલર્સની જાહેરાત બાદ દુકાને પહોંચેલા ગ્રાહકોને ચાંદી ન મળતા તેમણે હોબાળો મચાવ્યો હતો. જોકે, જ્વેલર્સે પેપરમાં આપેલી જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો કે સ્ટોક હશે ત્યાં સુધી આ જાહેરાતનો લાભ મળશે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, શહેરમાં ચાંદીની વધતી માંગ વચ્ચે એક અગ્રણી જ્વેલર્સ દ્વારા અખબારમાં જાહેરાત આપવામાં આવી હતી કે ચાંદી પ્રતિ ગ્રામ ૧.૬૩ લાખના ભાવે ઉપલબ્ધ છે.
આ જાહેરાત વાંચીને મોટી સંખ્યામાં ગ્રાહકો ચાંદીના બિÂસ્કટ અથવા લગડી ખરીદવા માટે જ્વેલર્સના શોરૂમ પર પહોંચ્યા હતા. જોકે, ગ્રાહકોને સ્ટોરમાં ચાંદીના બિÂસ્કટ કે લગડી મળી ન હતી, જેના પગલે ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો હતો. તેમને લાગ્યું કે જ્વેલર્સે ભ્રામક જાહેરાત આપીને તેમને બોલાવ્યા છે. થોડી જ વારમાં મામલો ગરમાયો અને ગ્રાહકોએ જ્વેલર્સના શો-રૂમમાં ભારે હોબાળો મચાવ્યો.
વધતા હોબાળા અને અંકુશ બહાર જઈ રહેલી પરિસ્થિતિને જોતા, જ્વેલર્સ દ્વારા તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થિતિ સંભાળીને ગુસ્સે ભરાયેલા ગ્રાહકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટનાને પગલે બજારમાં ચાંદીની સપ્લાય અને ભાવને લઈને ફરી એકવાર ચર્ચા જાગી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ચાંદીના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે સ્ટોક જાળવવામાં વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે. જોકે, જ્વેલર્સે પેપરમાં આપેલી જાહેરાતમાં ઉલ્લેખ કર્યો હતો કે સ્ટોક હશે ત્યાં સુધી આ જાહેરાતનો લાભ મળશે. જોકે, લોકોને ચાંદી ના મળતા હોબાળો મચાવ્યો હતો.