Western Times News

Gujarati News

બહેરામપુરાના કેસ ટાઈફોઈડ-પ૩૬, કોલેરા-૭, કમળો-૩૭ર, ઝાડા-ઉલ્ટી-પ૬૬ કેસ

AI Image

(પ્રતિનિધિ) અમદાવાદ,અમદાવાદ શહેરમાં ર૦રપનું વર્ષ પાણી અને મચ્છરજન્ય રોગચાળા માટે અત્યંત પીડાદાયક રહયું છે. શહેરમાં ડેન્ગ્યુ, કમળો, કોલેરા, ટાઈફોઈડ જેવા જીવલેણ રોગના કેસ સતત વધી રહયા છે.

ખાસ કરીને શ્રમજીવી વસાહતવાળા વિસ્તારમાં કમળો, ઝાડા-ઉલ્ટીના રોગચાળાને માઝા મુકી છે. જયારે કોલેરાના રોગચાળામાં થોડાઘણા અંશે રાહત થઈ છે. પરંતુ બહેરામપુરા વોર્ડમાં પાણીજન્ય રોગચાળો સતત વકરી રહયો છે.

સ્માર્ટ સીટી અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો થોડા ઘણા અંશે નિયંત્રણમાં આવ્યો છે જયારે મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ વધી રહયો છે. શહેરમાં ૧૩ ઓકટોબર સુધી ડેન્ગ્યુના ૧૩૦૦ કેસ નોંધાયા છે. છેલ્લા બે સપ્તાહ દરમિયાન ડેન્ગ્યુના ર૦૦ કરતા વધારે કેસ કન્ફર્મ થયા છે જે બાબત ચિંતાજનક છે.

તેવી જ રીતે સાદા મેલેરિયાના ૭૩૩, ઝેરી મેલેરિયા-૧૩પ કેસ નોંધાયા છે. ઝોન મુજબ જોવા જઈએ તો ઉત્તર ઝોનમાં ડેન્ગ્યુના ર૩પ, પૂર્વ ઝોનમાં ર૭પ અને દક્ષિણ ઝોનમાં ર૪૧ કેસ નોંધાયા છે.

શહેરમાં પાણીજન્ય રોગચાળાના કેસ સતત વધી રહયા છે ચાલુ વર્ષ દરમિયાન ૧૩ ઓકટોબર સુધી ઝાડા-ઉલ્ટીના પ૪૪૦ કેસ નોંધાયા છે. માત્ર બહેરામપુરા વોર્ડમાં જ ઝાડા-ઉલ્ટીના પ૬૬ કેસ કન્ફર્મ થયા છે. તેવી જ રીતે કમળાના કુલ ર૭૩૯ કેસ નોંધાયા છે. બહેરામપુરામાં કમળાના ૩૭ર કેસ નોંધાયા છે.

જયારે ટાઈફોઈડના ૩૬પ૮ કેસ નોંધાયા છે જે પૈકી બહેરામપુરા વોર્ડમાં જ પ૩૬ કેસ નોંધાયા છે. જયારે કોલેરાના ૧૦૩ કેસ નોંધાયા છે બહેરામપુરામાં કોલેરાના ૭ કેસ નોંધાયા છે. આમ જોવામાં આવે તો દક્ષિણ ઝોનનો બહેરામપુરા વોર્ડ પાણીજન્ય રોગચાળાનું એપી સેન્ટર બની ગયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.