પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ અને ટ્રાફિક મેનેજમેન્ટ પર દિવાળીમાં ખાસ ભાર મૂકવા સૂચનાઓ અપાઈ

દિવાળી પર્વ અનુસંધાને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ જિલ્લાના પોલીસ અધિકારીશ્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા બેઠક યોજી
Ahmedabad, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે પોલીસ ભવન ખાતેથી તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી તથા જિલ્લા પોલીસ વડાઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજીને દિવાળીના તહેવાર દરમિયાન રાજ્યના નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
આ સમીક્ષા બેઠકમાં, દિવાળીના તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે જાહેર સ્થળો તેમજ માર્કેટ પ્લેસ પર વિશેષ પોલીસ પેટ્રોલિંગ, ડ્રોન સર્વેલન્સ તેમજ ટ્રાફિક મેનેજમેન્ટ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજ્યના પોલીસ વડાશ્રીએ સમીક્ષા બેઠકમાં આપેલી સૂચનાઓમાં ગીચ બજારો અને ભીડવાળી જગ્યાઓ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ કરીને હવાઈ સર્વેલન્સ હાથ ધરવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને, યોગ્ય ટ્રાફિક મેનેજમેન્ટ યોજના ઘડવા અને તેના અમલીકરણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
એટલું જ નહીં, સુરક્ષાના પગલાં વધારવા માટે જ્વેલરી શોપના માલિકો સાથે બેઠક યોજવા અને જરૂરી માર્ગદર્શન આપવા પણ આદેશ આપવામાં આવ્યા છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત SHE ટીમોને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવા પર ભાર મૂકવામાં આવ્યો, જેથી મહિલાઓ સલામત રીતે ખરીદી કરી શકે.
ખાસ કરીને સાંજના સમયે, જ્યારે બજારોમાં સૌથી વધુ ભીડ હોય છે, ત્યારે રસ્તાઓ પર મહત્તમ પોલીસ હાજરી સુનિશ્ચિત કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.
રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ અધિકારીઓને દિવાળીના તહેવાર દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેની તકેદારી રાખવા માટે એલર્ટ રહેવા માટે નિર્દેશ આપ્યો છે.