ભારતમાં ઈવી સબસિડી મુદ્દે ચીને ડબલ્યુટીઓમાં ફરિયાદ દાખલ કરી

નવી દિલ્હી, ચીને ભારત વિરુદ્ધ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુટીઓ)માં ફરિયાદ દાખલ કરી છે. ભારત દ્વારા ઈલેટ્રિક વ્હીકલ્સ (ઈવી) અને બેટરી ઉત્પાદન સંલગ્ન સબસિડીના મુદ્દે આ ફરિયાદ કરાઈ છે.
ચીનના વાણિજ્ય મંત્રાલયે એક નિવેદનમાં દાવો કર્યાે હતો કે, ભારતની આ નીતિ સ્થાનિક ઉદ્યોગોને ખોટી રીતે પ્રતિસ્પર્ધાત્મક લાભ પૂરો પાડે છે અને તેનાથી ચીનના આર્થિક હિતોને નુકસાન પહોંચે છે. ભારતે ડબલ્યુટીઓના કેટલાક પાયાના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે. ચીન હવે તેના અધિકારો અને હિતોના રક્ષણ માટે આકરાં પગલાં લેશે.
ચીને જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા ઈવી અને બેટરી ઉત્પાદન પર અપાતી સબસિડી આંતરરાષ્ટ્રીય વેપારના નિષ્પક્ષ નિયમોની વિરુદ્ધ છે. ચીનના વાણિજ્ય મંત્રાલયના મતે આ યોજનાઓથી ભારત પોતાના સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન પૂરું પાડી રહ્યું છે. જેનાથી વિદેશી (ખાસ કરીને ચીનની) કંપનીઓ માટે અસમાન પ્રતિસ્પર્ધાનો મહોલ રચાઈ રહ્યો છે.
એકતરફ ચીન ભારતમાં પોતાના ઈલેક્ટ્રિક વાહનોના વેચાણને વેગ આપવા પ્રયાસ કરી રહ્યું છે તેવા સમયે જ તેના દ્વારા ભારત પર આક્ષેપ કરતી ફરિયાદ કરવામાં આવી છે. ભારતના ઓટો બજારનું કદ જોતા ચીનના ઈવી ઉત્પાદકો પોતાનો ફેલાવો વધારવા ઉત્સુક છે અને તે ભારતને વેચાણ વધારા માટેના એક મુખ્ય સ્રોત તરીકે જુએ છે.
અધિકારીના મતે ચીને આ પ્રકારની ફરિયાદ તુર્કી, કેનેડા તથા યુરોપીયન સંઘ વિરુદ્ધ પણ કરી છે. આ તમામ દેશોએ ભારત સાથે પરામર્શ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જો ભારત સાથે પરામર્શથી સમાધાનકારી ઉકેલ નથી આવતો તો ઈયુ વૈશ્વિક વેપાર સંસ્થાને આ મુદ્દે પેનલ રચવા દરખાસ્ત કરી શકે છે.
એક રિપોર્ટ મુજબ ગત નાણાં વર્ષમાં ભારતની ચીનમાં નિકાસ ૧૪.૫ ટકા ઘટીને ૧૪.૨૫ (૧૬.૬૬) અબજ ડોલર રહી હતી. આયાત ૧૧.૫૨ ટકા વધીને ૧૧૩.૪૫ (૧૦૧.૭૩) અબજ ડોલર હતી. વૈશ્વિક ઈલેક્ટ્રિક વાહનોના વેચાણમાં ચીનનો હિસ્સો આશરે ૬૭ ટકા છે.SS1MS