ઈન્દોરમાં એકસાથે ૨૦થી વધુ કિન્નરોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ

ઇન્દોર, ઇન્દોરના નંદલાલપુરા વિસ્તારમાં ચાલી રહેલા કિન્નરોના આંતરિક વિવાદને પગલે એક જૂથના ૨૦થી વધુ કિન્નરોએ ફિનાઇલ પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યાે છે.
બુધવારે રાત્રે આ કિન્નરો તેમના ડેરા પરથી નીચે ઉતરીને હોબાળો કરવા લાગ્યા અને ત્યાર બાદ એકસાથે ફિનાઇલ પી લીધી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી અને ઓટોરિક્ષા તેમજ એમ્બ્યુલન્સની મદદથી તમામ કિન્નરોને એમવાય હોસ્પિટલ પહોંચાડ્યા, જ્યાં એક કિન્નરની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
નંદલાલપુરામાં કિન્નરોના બે જૂથ વચ્ચે લાંબા સમયથી આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદના સમાધાન માટે મંગળવારે કિન્નર અખાડાના મહામંડલેશ્વર લક્ષ્મી ત્રિપાઠી ઇન્દોર આવ્યા હતા અને તેમણે અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી.
બીજી બાજુ, આ વિવાદના સંબંધમાં એક કિન્નરની ફરિયાદના આધારે પોલીસે બે મીડિયાકર્મીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઘણા દિવસોથી ચાલી રહેલા કિન્નરોના આ વિવાદની તપાસ માટે અગાઉ એસઆઇટીની પણ રચના કરવામાં આવી હતી, પરંતુ તે તપાસ પૂરી થઈ શકી નથી.
ફિનાઇલ પીધા પછી, એક જૂથના કિન્નરોએ નંદલાલપુરા ચોક પર ચક્કાજામ કર્યાે, જેના કારણે રસ્તા પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ. કિન્નરોએ લાંબા સમય સુધી હંગામો ચાલુ રાખ્યો, ત્યારબાદ પોલીસે સમજાવટ કરીને ચક્કાજામ ખોલાવ્યો. અહીં નોંધનીય છે કે ઇન્દોરમાં સપના ગુરુનું એક જૂથ અને સીમા તથા પાયલ ગુરુનું બીજું જૂથ સક્રિય છે. આ બંને જૂથો વચ્ચે વારંવાર વિવાદ થતો રહે છે, જેમાં સપના ગુરુનું જૂથ અવારનવાર ધર્માંતરણના આરોપો પણ લગાવે છે.
ભૂતકાળમાં પણ બંને જૂથો વચ્ચે વિવાદો થયા છે અને તેના સંબંધમાં કેસ પણ નોંધાયેલા છે.આ મામલે એડિશનલ ડીસીપી રાજેશ દંડોતિયાએ માહિતી આપી હતી કે પંઢરીનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજે લગભગ ૨૦થી વધુ કિન્નરોએ કોઈ પદાર્થ પીધો હોવાની ઘટના બની છે.
પ્રાથમિક તપાસમાં આ પદાર્થ ફિનાઇલ હોવાનું સામે આવ્યું છે. હજુ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. તમામ અસરગ્રસ્તોની સારવાર એમવાય હોસ્પિટલમાં શરૂ કરી દેવામાં આવી છે.
સીએમએચઓને તમામ અસરગ્રસ્તોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. હાલમાં દર્દીઓની સ્થિતિ સ્થિર હોવાનું અને પોલીસ પ્રશાસનની સતત દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલુ હોવાનું જણાવાયું છે. કિન્નરોએ કયા કારણોસર ઝેરી પદાર્થ પીધો તે અંગે હજી સ્થિતિ સ્પષ્ટ નથી અને પોલીસ દ્વારા આ મામલે તપાસ ચાલી રહી છે.
જે કિન્નરોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની સાથે આવેલા કિન્નરોએ હોસ્પિટલ પરિસરમાં પણ હંગામો કર્યાે. સ્થળ પર પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. કેટલાક મીડિયાકર્મીઓ સાથે પણ કિન્નરોએ દુર્વ્યવહાર કર્યાે છે.SS1MS