Western Times News

Gujarati News

દવાઓ અને કોસ્મેટિક્સની ગુણવત્તા, તપાસ માટે કેન્દ્ર કડક કાયદો લાવશે

નવી દિલ્હી, દુષિત કફ સિરપને કારણે દેશના કેટલાંક રાજ્યોમાં ૨૪ જેટલાં બાળકોના મોતની ઘટના બાદ સફાળી જાગેલી સરકાર દવાઓ અને મેડિકલ સાધનોની સુરક્ષા તેમજ ગુણવત્તાના ધોરણોનું ચુસ્ત પાલન કરાવવા માટે નવો કડક કાયદો લાવશે.

આ કાયદો દવાની ગુણવત્તાનું પરીક્ષણ તથા બજાર દેખરેખ માટે કાનૂની માળખાને વધુ મજબૂત બનાવશે સાથે જ તબીબી ઉત્પાદનો અને સૌંદર્ય પ્રસાધનોનું નિયમન પણ કરશે. નકલી દવાઓના સેવનથી લોકોના જીવન સાથે થઈ રહેલા ચેડાંના કિસ્સાઓ બાદ હવે કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે કડક કાયદો લાવવાની તૈયારી કરી છે.

વૈશ્વિક સ્તરે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) સહિતની આરોગ્ય નિયમનકારી સંસ્થાઓ દ્વારા ભારતીય દવા ઉત્પાદકો દ્વારા કેટલીક ગંભીર બેદરકારી રાખવામાં આવતી હોવાની કેટલીક ફરિયાદો ઉઠાવાઈ છે. મંગળવારે કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે પી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ડ્રગ્ય કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (ડીસીજીઆઈ) ડો. રાજીવ રઘુવંશીએ ડ્રગ્સ, મેડિકલ ડિવાઈસિસ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૨૦૨૫નો મુસદ્દો રજૂ કર્યાે હતો.

આ બેઠકમાં ડીસીજીઆઈ અને સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (સીડીએસસીઓ)ના વરિષ્ઠ અધિકારીઓએ પ્રસ્તાવિત કાયદાના માળખાની રૂપરેખા આપી હતી. તાજેતરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા ઉત્તરપ્રદેશમાં દૂષિત કફ સિરપ પીધા બાદ અનેક બાળકોના મોતની ઘટનાના થોડા દિવસો બાદ આ બેઠક બોલાવાઈ હતી.

સૂત્રોના મતે મંજૂરી મળ્યા બાદ નવો કાયદો સીડીએસસીઓ સત્તાવાળાઓને ભારતમાં બનતી દવા, મેડિકલ સાધનો તથા કોસ્મેટિક્સના સ્થાનિક વપરાશ તથા નિકાસ બંને માટે કડક ગુણવત્તા પરીક્ષણ અને દેખરેખ સુનિશ્ચિત કરવાની કાનૂની સત્તા આપશે.

નવા કાયદા અંતર્ગત એવું માનવામાં આવે છે કે જો દવા ઉત્પાદકોએ ગુણવત્તા સાથે બાંધછોડ કરી હોવાનું જણાશે તો સીડીએસસીઓને સૌપ્રથમ વખત તાત્કાલિક કડક કાર્યવાહીની સત્તા પ્રાપ્ત થશે.

આ કાયદામાં લાઇસન્સિંગ પ્રક્રિયાને ડિજિટાઇઝ કરવા, રાજ્યના નિયમનકારો વચ્ચે સંકલન વધારવા તથા ટેસ્ટિંગ લેબની ક્ષમતાને વધારવાની જોગવાઈ સામેલ હશે. આ નવો કાયદો આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબનો હશે જે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૦નું સ્થાન લેશે. નવા કાયદાનો હેતુ ઉત્પાદનથી બજાર વિતરણ સુધી દવાઓની ગુણવત્તા અંગે જવાબદારી અને પારદર્શકતાનો હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.