સુરતમાં રેપ કરી સગીરાને ગર્ભવતી બનાવનારને અંતિમ શ્વાસ સુધી જેલ

સુરત, સુરતના ગ્રામ્ય વિસ્તારની ૧૬ વર્ષ અને નવ મહિનાની સગીરાને લગ્નની લાલચ આપી છ વખત દુષ્કર્મ આચરી સગર્ભા બનાવનાર આરોપીને પોકસોની વિશેષ કોર્ટે કસૂરવાર ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધી એટલે કે આજીવન કેદની સખત સજા ફટકારી છે. ઉપરાંત કુલ ૨૦ હજારનો દંડ પણ ફટકારતો હુકમ કર્યાે હતો. તેમજ પીડિતાને ૧૫ લાખ વળતર પેટે ચૂકવવા આદેશ કર્યાે હતો.
મૂળ ઉમરપાડા તાલુકાના ગોલવણ ગામના ડુંગળી પાડા ફળિયામાં રહેતા ૨૫ વર્ષીય પૌવલુસ નિરંજન વસાવાએ સુરતના ગ્રામ્ય વિસ્તારની ૧૬ વર્ષ અને નવ મહિનાની સગીરા સાથે નવેમ્બર ૨૦૨૨ થી ૬-૯-૨૦૨૪ દરમિયાન લગ્નની લાલચ આપી તેણી સાથે અવારનવાર ૬ વખત દુષ્કર્મ આચર્યું હતું. ગર્ભ રહી જતા આરોપી પૌવલુસ વસાવાને જાણ કરતા ધમકી આપીને ભાગી ગયો હતો.
આ અંગે સગીરાના માતા-પિતાએ આરોપી પૌવલુસ વસાવા વિરુદ્ધ કોસંબા પોલીસ સ્ટેશનમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની ઉપર દુષ્કર્મ કરી તેને સગર્ભા બનાવવા બદલ પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
કોસંબા પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. ગત તારીખ ૩૧-૧૨-૨૦૨૪ના રોજ પીડિતાની કઠોર ખાતે આવેલા સરકારી આરોગ્ય કેન્દ્રમાં પ્રસૂતિ કરવામાં આવી હતી. જ્યાં તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની સખત સજા અને દંડ ફટકાર્યાે છે.SS1MS