જામનગરના ચેક રિટર્ન કેસમાં ફિલ્મ ડાયરેક્ટરને બે વર્ષની સજા યથાવત

જામનગર, બોલિવૂડમાં ઘાયલ, ઘાતક અને દામિની જેવી સુપરહિટ ફિલ્મો આપનાર ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને ચેક રિટર્ન કેસમાં જામનગર સેશન્સ કોર્ટે નીચલી કોર્ટનો બે વર્ષની સજા અને ચેકની રકમથી બમણા દંડનો હુકમ યથાવત રાખ્યો છે.
આ ચુકાદો જામનગરના ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદોના સંદર્ભમાં આવ્યો છે.જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોક હરિદાસ લાલે ફિલ્મ નિર્માણ માટે રાજકુમાર સંતોષીને સંબંધના દાવે રૂપિયા એક કરોડ હાથ ઉછીના આપ્યા હતા. આ રકમના બદલામાં, સંતોષીએ રૂપિયા ૧૦ લાખના દસ ચેક આપ્યા હતા, જે બેંકમાંથી પરત ફર્યા હતા.
ચેક રિટર્ન થતાં, અશોક લાલે જામનગરની સ્પેશિયલ નેગોશીએબલ કોર્ટમાં ફરિયાદો દાખલ કરી હતી.આ કોર્ટે કેસની સુનાવણી બાદ રાજકુમાર સંતોષીને ચેકની રકમથી બમણો દંડ અને બે વર્ષની સજા સંભળાવી હતી.
આ હુકમ સામે રાજકુમાર સંતોષીએ જામનગરની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. આજરોજ સેશન્સ કોર્ટે અપીલની સુનાવણી કર્યા બાદ નીચલી કોર્ટનો હુકમ યથાવત્ રાખ્યો હતો.કોર્ટે રાજકુમાર સંતોષીને ૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ અથવા તે પહેલા ટ્રાયલ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.
જો તેઓ હાજર નહીં થાય, તો તેમની સામે વોરંટ ઇશ્યુ કરીને ધરપકડ કરી જામનગર કોર્ટમાં હાજર કરવાનો હુકમ પણ ફરમાવવામાં આવ્યો છે. ફરિયાદીના વકીલ પીયુપ વી. ભોજાણી દ્વારા સને ૨૦૧૭ની સાલમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
રાજકુમાર સંતોષીએ અગાઉ આ કેસને મુંબઈ ટ્રાન્સફર કરવા અરજી કરી હતી, જે બાદમાં રદ થઈ હતી અને જામનગર કોર્ટમાં જ કેસ ચલાવવાનો હુકમ થયો હતો.SS1MS