Western Times News

Gujarati News

જિતેન્દ્ર કુમારે કમ્ફર્ટ ઝોન છોડ્યોઃ ‘ભાગવત ચેપ્ટર ૧: રાક્ષસ’માં અલગ અવતારમાં દેખાશે

મુંબઈ, પહેલા જીતુભૈયા અને પછી પંચાયતના સચિવજી તરીકે જાણીતા થયેલા કલાકાર જીતેન્દ્ર કુમાર હાલ વિવિધ પ્રકારના રોલના પ્રયોગો કરી રહ્યો છે. થોડાં દિવસ પહેલાં ‘મિરઝાપુર’ ફિલ્મના સેટ પરથી તેમની તસવીરો વાયરલ થઈ હતી.

હવે તેણે ક્રાઇમ થ્રિલર ‘ભાગવત ચેપ્ટર ૧ – રાક્ષસ’માં પોતાના રોલ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે આ રોલમાં તેને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળવાની તક મળી.

આ ફિલ્મમાં જિતેન્દ્ર એક આકર્ષક કોલેજ પ્રોફેસર સમીરનો રોલ કરે છે, જેની સામે અર્શદ વારસી ઇન્સ્પેક્ટર વિશ્વાસ ભાગવતના રોલમાં છે, જે એક છોકરી ગાયબ થઈ ગયાના કેસની તપાસ કરે છે.

આ ફિલ્મ ઝી૫ પર આવશે અને અક્ષય શેરે તેને ડિરેક્ટ કરે છે.જિતેન્દ્રએ આ પહેલાં ટીવીએફની ઓટીટી સિરીઝ ઉપરાંત ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’, ‘જાદુગર’ અને ‘ડ્રાય ડે’ જેવી ફિલ્મમાં કામ કર્યું છે.

એક ઇન્ટરવ્યુમાં તેની નવી ફિલ્મ વિશે વાત કરતા જિતેન્દ્રએ જણાવ્યું, “હું મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને ઘણો ઉત્સુક હતો. મેં ક્યારેય આવો કોઈ રોલ કર્યાે નથી તેથી આ રોલ મારા માટે ઘણો પડકારજનક હતો. હું નક્કી કરી શકતો નહોતો કે હું આ રોલ કઈ રીતે કરી શકીશ.

પરંતુ દરેક નવા પડકાર સાથે મને અલગ ઉત્સાહ અનુભવાતો હતો.”જિતેન્દ્ર આગળ જણાવે છે, “મને ખરેખર એક ક્રાઇમ થ્રિલર કરવાની ઇચ્છા હતી અને કોઈ એવું પાત્ર કરવું હતું જેના અનેક ચહેરા હોય.

અમારા બંનેના પાત્રો વચ્ચેના સમીકરણો અને બંનેના જીવન કઈ રીતે જોડાયેલા છે, તેણે મને આ પાત્ર કરવા પ્રેર્યાે.”અર્શદ વારસી સાથે કામના અનુભવ અંગે તેણે કહ્યું, “ આમ તેઓ સેટ પર મજા કરતા હોય પણ જેવો સીન કરીએ કે એ એક અલગ જ વ્યકિત હોય એવું લાગે. જે રીતે સહજતાથી એ પાત્રમાં ઢળી જતાં એ જોવાની મને બહુ મજા આવી છે. ”

આ પાત્ર વિશે જિતેન્દ્રએ જણાવ્યું, “એક જ પ્રકારના પાત્રોને અલગ રીતે કરવાનો પડકાર અલગ હોય છે, પણ હજુ મને એવું નથી લાગતું કે હું એક જ પ્રકારના રોલ કરું છું. મેં જેમ ભાગવતમાં કર્યું એમ હું અલગ રોલ અને કામ કરતો રહીશ.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.