આંબલિયાસણ–વિજાપુર ૪૨.૩૨ કિમીનો લાંબો રેલવે સેક્શન હવે બ્રોડ ગેજમાં પરિવર્તિત

૧૬ અને ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ સુરક્ષા નિરીક્ષણ થશે –અમદાવાદ ડિવિઝનના આંબલિયાસણ–વિજાપુર રેલવે સેક્શનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ
Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન હેઠળ આવતા આંબલિયાસણ–વિજાપુર રેલવે સેક્શન (૪૨.૩૨ કિલોમીટર) નું ગેજ કન્વર્ઝન કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ સેક્શન હવે મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં રૂપાંતરિત થઈને મુસાફરો માટે આધુનિક અને સુરક્ષિત સંચાલન માટે તૈયાર છે.
આ સેક્શનનું સંરક્ષા નિરીક્ષણ (Safety Inspection) રેલ સંરક્ષા કમિશનર (CRS), પશ્ચિમ રેલવે દ્વારા ૧૬ અને ૧૭ ઑક્ટોબર, ૨૦૨૫ ના રોજ કરવામાં આવશે. નિરીક્ષણ દરમિયાન, ૧૬ અને ૧૭ ઑક્ટોબરના રોજ મોટર ટ્રોલી દ્વારા નિરીક્ષણ તેમજ ૧૭ ઑક્ટોબરના રોજ ૧૨૦ કિમી/કલાકની ઝડપે એન્જિન સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.
પ્રોજેક્ટની વિગતો અને સુવિધાઓ મંજૂરી: આ પરિયોજનાને વર્ષ ૨૦૨૨-૨૩ માં મંજૂરી મળી હતી, જેની અંદાજિત કિંમત ₹૪૧૫.૩૭ કરોડ હતી.
- નવું નિર્માણ: આ સેક્શનમાં ૦૨ મુખ્ય પુલ, ૫૧ નાના પુલ અને ૪૫ નવા રોડ અન્ડર બ્રિજ (RUBs) નું નિર્માણ કરવામાં આવ્યું છે.
- સુરક્ષા: સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રેલવે લાઇનને લેવલ ક્રોસિંગની નજીક ફેન્સિંગ (વાડ) દ્વારા સુરક્ષિત કરવામાં આવી છે. આ માર્ગ પર કુલ ૦૪ લેવલ ક્રોસિંગ છે.
- ટેક્નોલોજી: નવી બ્રોડ ગેજ લાઈન પર ૬૦ કિલોગ્રામના નવા રેલ પેનલ પાથરવામાં આવ્યા છે.
- આધુનિકીકરણ: આંબલિયાસણ અને વિજાપુર સ્ટેશનોને સ્ટાન્ડર્ડ-II ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને મલ્ટીપલ એસ્પેક્ટ કલર લાઇટ સિગ્નલિંગ (MACLS) જેવી આધુનિક સુરક્ષા વ્યવસ્થાઓથી સજ્જ કરવામાં આવ્યા છે, જે ટ્રેનોના સંચાલનની સુરક્ષા અને કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો કરશે.
ક્ષેત્રીય વિકાસ અને મુસાફરોને લાભ
આ નવા બ્રોડ ગેજ કનેક્શનથી મુસાફરોને હવે દેશના મુખ્ય રેલવે સ્ટેશનો અને મોટા શહેરો સાથે સીધી કનેક્ટિવિટી મળશે, જેનાથી યાત્રા વધુ અનુકૂળ, ઝડપી અને સરળ બનશે.
- સુધારેલી કનેક્ટિવિટી: ઉત્તર ગુજરાતના ગ્રામીણ અને ઔદ્યોગિક વિસ્તારોમાં વધુ સારી રેલ કનેક્ટિવિટી સુનિશ્ચિત થશે, જેનાથી મુસાફરોનો યાત્રા સમય ઘટશે અને સુવિધામાં વધારો થશે.
- આર્થિક ઉત્થાન: આ માર્ગ દ્વારા પ્રાદેશિક વેપાર અને કૃષિને પ્રોત્સાહન મળશે, જેનાથી સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત થશે.
- રોજગાર: આ પરિયોજનાના નિર્માણ અને સંચાલન થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારની નવી તકો ઊભી થશે અને સમગ્ર વિસ્તારનો સામાજિક-આર્થિક વિકાસ થશે.