ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્ત્વનો ફેરફાર

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આજે સવારે ૧૧.૩૦ કલાકે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાશે -ગુજરાતના તમામ ૧૬ મંત્રીઓના રાજીનામા
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સઘવીને ફોન આવી ગયો છે.
રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે. સાથે જ CMએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તેમને નવા મંત્રીમંડળની યાદી પણ સોંપી દીધી છે.
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધીના સૌથી મોટા અને આશ્ચર્યજનક સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે, ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે. મળતી માહિતી મુજબ, સૌપ્રથમ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ એક પછી એક તમામ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા. આ રાજીનામાં જગદીશ વિશ્વકર્માને સુપરત કરવામાં આવ્યા હતા, જેમણે તમામ મંત્રીઓને રાજીનામું આપવાની સૂચના આપી હતી.
જગદીશ વિશ્વકર્મા સહિત કુલ ૧૬ મંત્રીએ રાજીનામાં આપ્યા છે. રસપ્રદ બાબત એ છે કે મુખ્યમંત્રીએ મંત્રીઓ પાસે રાજીનામું માંગ્યું ન હતું. મુખ્યમંત્રી સાથે તમામ નેતાઓની બેઠક પૂર્ણ થઈ ગઈ છે, અને અહેવાલો મુજબ, બેઠક શરૂ થાય તે પહેલાં જ રાજીનામાંનું એક ફોર્મ તૈયાર રાખવામાં આવ્યું હતું, જેના પર મંત્રીઓએ માત્ર સહી કરવાની હતી.
હવે, આ મંત્રીઓએ આપેલા રાજીનામાં રાજ્યપાલને સોંપવામાં આવશે, અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એક પત્ર રાજ્યપાલને સુપરત કરશે.
આ સૌથી મોટા રાજકીય પરિવર્તન વચ્ચે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ૨૦૨૧ની માફક નો-રિપીટ થિયરીની ફોર્મ્યુલા લાગુ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોટા ભાગના વર્તમાન મંત્રીઓને આ વખતે પડતા મૂકવામાં આવે તેવી શક્્યતા છે.
મળતી માહિતી મુજબ, આજે બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મંત્રીમંડળની બેઠક મળી હતી, જેમાં તમામ મંત્રીઓએ સામૂહિક રીતે રાજીનામા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ હવે સૌની નજર નવા મંત્રીમંડળની જાહેરાત પર ટકેલી છે.
સાથે જ, રાજ્યમાં નાયબ મુખ્યમંત્રીની નિમણૂક અંગે પણ રાજકીય ગલિયારામાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. ભાજપના મોવડીમંડળ દ્વારા આ અંગે શું નિર્ણય લેવાય છે, તેના પર સૌની નજર છે. નવા મંત્રીમંડળની શપથવિધિ માટેની સત્તાવાર જાહેરાત રાજ્યપાલ દ્વારા કરી દેવામાં આવી છે.
નવા મંત્રીમંડળની શપથવિધિ શુક્રવારે (૧૭મી ઓક્ટોબર) ના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાશે. શપથવિધિ સમારંભ પૂર્ણ થયા બાદ તરત જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં નવી કેબિનેટની પ્રથમ બેઠક પણ યોજાશે.
ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ એક મોટો અને મહત્ત્વનો ફેરફાર છે, જેના પર સમગ્ર દેશની નજર છે. ગુજરાતમાં દિવાળીના તહેવાર પહેલા ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે. ઘણા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવી શકે છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં શુક્રવાર (૧૭ ઓક્ટોબર) એ સવારે ૧૧.૩૦ કલાકે નવા મંત્રીમંડળનો શપથ સમારોહ યોજાવાનો છે.
આ પહેલા વર્તમાન મંત્રીમંડળના તમામ સભ્યોએ મુખ્યમંત્રીને રાજીનામા આપી દીધા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર વર્તમાન સરકારમાં સામેલ ૧૧ મંત્રીઓને બહાર કરવામાં આવી શકે છે. આ સિવાય કેટલાક મંત્રીઓને પ્રમોશન આપવામાં આવી શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નવા ૨૦ જેટલા નેતાઓને મંત્રી બનાવવામાં આવી શકે છે.