Western Times News

Gujarati News

ઓઈલ મુદ્દે બણગાં ફૂંકતા ટ્રમ્પને રશિયાનો જવાબ

ભારતમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્રને રશિયન ક્રૂડની જરૂર છે.- રશિયા

(એજન્સી)મોસ્કો, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે બુધવારે (૧૫ ઓક્ટોબર) દાવો કર્યો હતો કે ભારત હવે રશિયા પાસેથી ક્રૂડ ખરીદશે નહીં. મોસ્કોએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ભારતમાં રશિયન રાજદૂત ડેનિસ અલીપોવે જણાવ્યું હતું કે ભારતના અર્થતંત્રને રશિયન ક્રૂડની જરૂર છે. ભારત રશિયાનો વિશ્વસનીય ભાગીદાર છે. ભારતથી નારાજ ટ્રમ્પે તેના પર ૫૦ ટકા ટેરિફ લાદ્યો હતો. તેઓ નથી ઇચ્છતા કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ખરીદે.

રશિયન રાજદૂત અલીપોવે કહ્યું, ભારતની કુલ ક્રૂડ ઓઇલ આયાતનો એક તૃતીયાંશ ભાગ રશિયામાંથી આવે છે. અમે ભારત માટે એક સસ્તું વિકલ્પ રહ્યા છીએ. રશિયા અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વૈશ્વિક સ્થિરતા માટે એક બળ તરીકે કામ કરે છે. આ સંબંધ વિશ્વાસ પર બનેલો છે. અમે ભારતના મુખ્ય ટ્રેડ પાર્ટનર અને ઉર્જા ક્ષેત્રમાં ભારતના સૌથી વિશ્વસનીય ભાગીદાર છીએ.

રશિયાએ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મજબૂત સંદેશ મોકલ્યો છે. રશિયન રાજદૂતે કહ્યું કે, અત્યાર સુધી ગ્લોબલ નોર્થ ટેરિફ અને વિવિધ પ્રતિબંધો લાદી રહ્યું છે. આ દર્શાવે છે કે તેઓ મલ્ટીપોલાર વર્લ્ડને સ્વીકારવા માગતા નથી. આનાથી વૈશ્વિક શાસન વ્યવસ્થામાં સુધારામાં વિલંબ થશે. જો કે આ સુધારો ખૂબ જ જરૂરી છે.

ટ્રમ્પના દાવાઓ બાદ, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, ભારત ઓઈલ અને ગેસનો નોંધપાત્ર આયાતકાર છે. અસ્થિર ઊર્જા પરિદૃશ્યમાં ભારતીય ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવું અમારી સતત પ્રાથમિકતા રહી છે. ભારત પોતાના નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણયો લે છે. નોંધનીય છે કે, ટ્રમ્પ ભારત અને ચીનથી ખૂબ જ નારાજ છે. ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વાર ચાલી રહ્યું છે. ભારત પર ૫૦ ટકા ટેરિફ લાદ્યા બાદ ટ્રમ્પે હાલમાં જ ચીન પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે.

ભારત અમેરિકા કરતાં સસ્તાં ભાવે રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે અને તેનો સીધો લાભ ભારતનાં નાગરિકોને થઈ રહ્યો છે. બીજી બાજુ, ટ્રમ્પ ભારત ઉપર દબાણ કરે છે અને ઓઈલ અમેરિકા પાસેથી ખરીદવા માટે અવનવાં તૂપકાંઓ અજમાવે છે. ટેરિફ નાંખવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલું રાખ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.