સુપ્રીમે ૫૦%થી વધુ અનામત મર્યાદાને મંજૂરી ન આપી

(એજન્સી)નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે તેલંગાણા સરકારને મોટો ઝટકો આપતા રાજ્યમાં અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધુ વધારવાના પ્રસ્તાવને ફગાવી દીધો છે. આ નિર્ણયથી મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકારને નીતિગત મોરચે ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં પછાત વર્ગો માટે ૪૨ ટકા અનામત નક્કી કરવાના પોતાના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યાં બાદ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ન્યાયમૂર્તિ વિક્રમ નાથ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બેન્ચે રાજ્ય સરકારની અરજીને ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, જાતિ આધારિત અનામત માટેની ૫૦ ટકાની મર્યાદા નિશ્ચિત છે અને તેનું ઉલ્લંઘન કરી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનામત વધારવા પર હાઈકોર્ટ દ્વારા લાદવામાં આવેલ વચગાળાનો સ્ટે આગામી આદેશ સુધી યથાવત્ રહેશે.
તેલંગાણા સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે ૪૨ ટકા ઓબીસી અનામત આપવાનો નિર્ણય એક નીતિગત પગલું છે, જેનો હેતુ સ્થાનિક સંસ્થાઓમાં રાજ્યના પછાત વર્ગોને યોગ્ય પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવાનો છે. જો કે, આ વધારા સાથે રાજ્યમાં કુલ ક્વોટા ૬૭ ટકા સુધી પહોંચતો હતો.
અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે આ નિર્ણય સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરાયેલી ૫૦ ટકાની મર્યાદાનું ઉલ્લંઘન કરે છે, જેના કારણે તેને રોકવો જોઈએ. હાઈકોર્ટે પણ આ દલીલને માન્ય રાખીને અનામત વધારવાના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ હવે આ મામલે હાઈકોર્ટની સુનાવણી પર સૌની નજર રહેશે. નવમી ઓક્ટોબરના રોજ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને પોતાનો વિગતવાર જવાબ રજૂ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.