Western Times News

Gujarati News

પુત્રને બહાર રમવા મોકલી- પતિને વિડીયો કોલ કરી પત્નિએ ફાંસો ખાધો

કુટુંબમાં લગ્નપ્રસંગ આવતો હોવાથી મહિલાએ ઓસ્ટ્રેલિયા રહેતા બહેન સહિતના સગાંને પણ વિડીયો કોલથી વાત કરી હતી

(એજન્સી)રાજકોટ, રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ચાલીસ ફૂટ રોડ પર આવેલી ન્યૂ કેદારનાથ સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ રાત્રે પોતાના પતિ સાથે વિડીયો કોલ પર વાત કર્યા બાદ સાડા ચાર વર્ષના દીકરાને રમવા માટે બહાર મોકલ્યો હતો અને પછી પંખા સાથે ચૂંદડી બાંધી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

હાલ આપઘાતનું કારણ સ્પષ્ટ ન થતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આપઘાત કરનાર કોમલબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા અને સંતાનમાં કિયાન નામનો સાડા ચાર વર્ષનો દીકરો છે. તેમના પતિ કિશનભાઈ બટુકભાઈ ખુંટ સંસ્કાર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જોગમાયા એન્ટરપ્રાઇઝ નામે કારખાનું ધરાવે છે, જેમાં તેઓ અને તેમના ભાઈ સીએનસીનું કામ કરે છે.

કોમલબેને રાત્રે પતિ કિશન ખુંટને વિડીયો કોલ કરીને પૂછ્યું હતું કે, ‘તમે ક્યારે ઘરે આવશો? મેં અને કિયાને જમી લીધું છે.’આ વાતચીત બાદ તેમણે દીકરાને બહાર રમવા મોકલ્યો અને ગળે ફાંસો ખાઈ લીધો.

માસૂમ દીકરો થોડીવાર પછી ઘરમાં ફરીવાર આવતા માતાને લટકતી જોઈને રડતો રડતો બહાર દોડી ગયો હતો અને પડોશીઓને ‘પોતાના મમ્મી લટકે છે’ તેમ કહી વાત કરી હતી. પડોશીઓ અંદર દોડી જતાં કોમલબેનને લટકતા જોઈને સૌ હેબતાઈ ગયા હતા.

તરત જ ૧૦૮ને અને કોમલબેનના પતિને જાણ કરવામાં આવી હતી. જોકે, તબીબે તેણીને મૃત જાહેર કર્યા હતા. કોમલબેનના માતા-પિતા ગોંડલના ધુડશીયા ગામે રહે છે. આગામી સમયમાં કુટુંબમાં લગ્નપ્રસંગ આવતો હોવાથી ગઈકાલે તેમણે ઓસ્ટ્રેલિયા રહેતા બહેન સહિતના સગાંને પણ વિડીયો કોલથી વાત કરી હતી

અને લગ્નની તૈયારી કરી રહ્યાનું જણાવ્યું હતું. રાત્રે અચાનક આવું પગલું ભરી લેતા પતિ સહિતના સ્વજનો શોકમાં ગરક થઈ ગયા છે. પોલીસે આ મામલે વધુ તપાસ ચાલુ રાખી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.