Western Times News

Gujarati News

હાઈકોર્ટના આદેશ બાદ ભદ્ર પ્લાઝા ફેરિયા મુક્ત થશે

કોર્પોરેશન દ્વારા તદ્દન હંગામી ધોરણે વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રૂ.૩૮ કરોડના ખર્ચથી ભદ્ર પ્લાઝા ડેવલોપ કરવામાં આવ્યા બાદ તેમાં ફેરિયા પાથરણાવાળાઓના બેસવાનો વિવાદ સતત ચાલતો આવ્યો છે

પરંતુ ૧૬ ઓકટોબરે ગુજરાત હાઈકોર્ટે ફેરિયા પાથરણાવાળાઓને બીજો હુકમ ન થાય ત્યાં સુધી જાહેર રસ્તા કે ફુટપાથ પર બેસવા દેવાની સદંતર મનાઈ ફરમાવી છે જેના કારણે કોર્પોરેશન દ્વારા સેવા અને સેલો એનજીઓને હંગામી ધોરણે જગ્યા ફાળવવામાં આવશે.

મધ્યઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રમ્યકુમાર ભટ્ટના જણાવ્યા મુજબ સેવા અને સેલો એનજીઓના ફેરિયાઓને ભદ્ર પરિસર ખાતે બેસવા માટે હાઈકોર્ટ સમક્ષ પીઆઈએલ ર૧૧/ર૧૪ ચાલી રહી છે જેમાં હાઈકોર્ટ દ્વારા આજરોજ ફેરિયાઓને જાહેર રસ્તા કે ફુટપાથ પર બેસવા ન દેવા માટે આદેશ કરવામાં આવ્યો છે

તેથી મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ભદ્ર પ્લાઝાની અંદર બેસતા બે એનજીઓના ફેરિયાઓને તદ્દન હંગામી ધોરણે જગ્યા ફાળવવામાં આવી છે જે પૈકી ૧૦૦ મીટર દુર આવેલી દાદાભાઈ નવરોજી લાયબ્રેરીની પાછળની જગ્યામાં અને ઢાલગરવાડના ચોકઠાવાળી જગ્યા ફેરિયાઓને બેસવા માટે તદ્દન હંગામી ધોરણે આપવામાં આવશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આગામી સમયમાં આ મામલે સઘન ચકાસણી કરવામાં આવશે અને કોઈને અન્યાય ન થાય તે બાબતે તકેદારી રાખવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભદ્ર પરિસરમાં બેસવા માટે વખતોવખત સર્વે થતા રહયા છે છેલ્લે ર૦૧૬માં સર્વે થયો હતો અને ર૦૧૮માં સેવા અને સેલો એનજીઓના ૮૪૪ જેટલા ફેરિયાઓને જગ્યા ફાળવવા ઠરાવ થયો હતો. પરંતુ કોર્પોરેશને ફાળવેલ ફેરિયાઓ કરતા ર થી ૩ ઘણા પ્લાઝામાં બેસતા થયા હોવાથી ખૂબ જ તકલીફ થતી હતી.

ખાસ કરીને એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ગાડીઓની અવરજવર માટે મુશ્કેલી પણ થતી હતી તેને ધ્યાનમાં લઈને જ ગુજરાત હાઈકોર્ટ દ્વારા હાલ બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ આદેશ આપવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.