દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદઃ દિવાળીનો તહેવાર પણ મેઘરાજા બગાડે તેવી આગાહી

File Photo
(એજન્સી)ગાંધીનગર, ગુજરાતમાં ચોમાસાની વિદાય સમયે દિવાળીના તહેવારમાં હળવાથી મધ્યમ વરસાદ થાય તેવી શક્યતા છે. તેવામાં ગુરુવારે (૧૬ આૅક્ટોબર) દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસ્યો છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ સહિતના વિસ્તારોમાં સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં વલસાડના ધરમપુર, કપરાડા સહિતના વિસ્તારોમાં પવન સાથે ધીમીધારે વરસાદ થયો છે.
જ્યારે ડાંગ જિલ્લાના વઘઈ, સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ખેડૂતોના ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતી સેવાઈ છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી.
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ૨૦, ૨૧ અને ૨૨ આૅક્ટોબર, ૨૦૨૫ એટલે કે, દિવાળી અને બેસતું વર્ષના દિવસે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ વરસાદની સંભાવના છે. જેમાં નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસું ભલે વિદાય લઈ ચૂક્યું હોય, પરંતુ રાજ્યમાં આગામી છ દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદનું જોર યથાવત્ રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હાલમાં રાજ્યમાં પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી છ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે.
૧૭ ઓક્ટોબરઃ દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે.
૧૮ ઓક્ટોબરઃ અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે.
૧૯થી ૨૧ ઓક્ટોબરઃ ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે.