મજૂરીના બાકી ૧૦ લાખ નહીં મળતા પેટા કોન્ટ્રાક્ટરનો ફાંસો ખાઈ આપઘાત

ગાંધીનગર, બાંધકામ સાઈટના કોન્ટ્રાક્ટરે મજૂરી પેટે બાકી નીકળતા રૂપિયા ૧૦ લાખની રકમ નહીં મળતા નાસીપાસ થઇ ગયેલા મુકાદમે આપઘાત કરી લીધો હોવાનો બનાવ ગાંધીનગરના કોબા ખાતેની કન્સ્ટ્રક્શન સાઈટ પર બન્યો હતો.
ચોંકાવનારા બનાવની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ માનસિક ત્રાસ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
દાહોદના રાહુલ નરસુભાઈ પસાયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બનાવની વિગત એવી છે કે તેમના મોટાભાઈ અર્જુનભાઈએ કોબા ખાતેના કે. રાહેજા રોડ પર આવેલી ટ્રી ટોપ કન્સ્ટ્રક્શન સાઈટ પર આર.સી.સી.નું કામ સાઇટ કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપૂત પાસેથી મજૂરીના ભાવથી રાખ્યું હતું. જેથી અર્જુને ૧૫ માણસો સાઇટ પર રાખી સાઇટના એ અને બી બ્લોકના બેઝમેન્ટથી માંડીને પહેલા માળ સુધીનું કોન્ક્રીટિંગનું કામ કર્યું હતું. તે કામ પેટે કોન્ટ્રાક્ટર કૌશિકસિંહ રાજપૂત પાસેથી રૂ. ૧૦ લાખની રકમ લેવાની નીકળતી હતી.
તેની ઉઘરાણી કરવા છતાં કૌશિકસિંહ પૈસા આપતો ન હતો. આ દરમિયાન પંદર દિવસ પહેલા રાહુલે તેના પિતા નરસુભાઈને બોલાવ્યા હતા. ત્યારે રાહુલ અને અર્જુન સાથે નરસુભાઈ સાઇટ ઉપર કૌશિકસિંહને મળી દિવાળીના તહેવારો હોવાથી મજૂરોને પગાર આપવા માટે પૈસાની માગણી કરી હતી.
મજૂરોને તહેવારમાં પગાર નહીં આપી શકે તો આત્મહત્યા કરવી પડશે તેમ કહી અર્જુને મજબુરી વર્ણવી હોવા છતાં કોન્ટ્રાક્ટરે પૈસા આપવાની ના પાડી દીધી હતી અને એકાએક ઉશ્કેરાઈ ગયેલા કૌશિકસિંહે જાતિવિષયક અપશબ્દો બોલી પુત્રોની સામે નરસુભાઈને લાફો માર્યાે હતો. તે દિવસે અર્જુન બહુ રડ્યો હતો.
સાઇટ એન્જિનિયરે રૂપિયા અપાવી દેવાની હૈયા ધારણા આપતા કામ ચાલુ રાખ્યું હતું. જોકે ૧૩ ઓક્ટોબરે પણ અર્જુને પૈસાની ઉઘરાણી કરતા કૌશિકસિંહે ઝપાઝપી કરી પૈસા આપવાનો ઇનકાર કરી દીધો હતો.
એ દિવસે રાત્રે પણ અર્જુન બહુ રડ્યો હતો અને રાહુલને કહ્યું હતું કે, ૧૦ લાખ નહીં મળે તો મજૂરોને પગાર નહીં ચૂકવી શકીએ તેવું કહી મરવાની વાતો કરતો હતો. બીજા દિવસે સવારે રાહુલ મોબાઇલનું ચાર્જર લેવા ગયો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. જેથી રૂમના પતરામાંથી જગ્યા કરીને અંદર જોયું તો અર્જુન ફાંસો ખાધેલી હાલતમાં હતો.SS1MS