અભિષેક શર્મા અને મંધાના સપ્ટેમ્બરના આઇસીસીના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર બન્યાં

દુબઈ, ભારતીય મેન્સ ક્રિકેટ ટીમના ઓપનર અભિષેક શર્મા અને વિમેન્સ ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને આઇસીસીના સપ્ટેમ્બર મહિનાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર જાહેર કરવામાં આવ્યા હતા. આ બંનેએ છેલ્લા એક મહિનામાં ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું હતુ.
અભિષેક શર્માને તેના એશિયા કપના પ્રદર્શન માટે તથા મંધાનાને ગયા મહિને રમાયેલી ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ સામેની સિરીઝમાં બે સદી ફટકારવા બદલ આ એવોર્ડ માટે પસંદ કરાયા હતા.અભિષેકે એશિયા કપની સાત મેચમાં ૪૪.૮૫ની સરેરાશથી અને ૨૦૦+ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને ૩૧૪ રન ફટકાર્યા હતા. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરાયો હતો.
આ ઉપરાંત અભિષેકે ટી૨૦ બેટિંગ ક્રમાંકમાં પણ સુધારો કરીને અત્યાર સુધીનું તેનું બેસ્ટ રેટિંગ પણ હાંસલ કર્યું છે. તેની સાથે એવોર્ડની રેસમાં ભારતનો સ્પિનર કુલદીપ યાદવ તથા ઝિમ્બાબ્વોના બ્રાયન બેનેટ પણ હતા પરંતુ તેણે આ બંનેને પાછળ રાખી દીધા હતા.
વિમેન્સ કેટેગરીનો એવોર્ડ જીતનારી મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે રમાયેલી વન-ડે સિરીઝની ત્રણ મેચમાં ૫૮, ૧૧૭ અને ૧૨૫ રનની ઇનિંગ્સ રમી હતી. ભારતની વિમેન્સ ટીમની ઉપસુકાની ૭૭ની સરેરાશથી તથા ૧૩૫ના સ્ટ્રાઇક રેટથી ૩૦૮ રન ફટકારી ચૂકી હતી.
આઇસીસી વિમેન્સ વન-ડે વર્લ્ડ કપમં મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે ભારત તરફથી વન-ડેમાં સૌથી ઝડપી સદીનો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. તેણે ૫૦ બોલમાં સદી ફટકારી હતી. સાઉથ આળિકાની તાઝમિન બ્રિટ્સ તથા પાકિસ્તાનની સિદરા અમીન આ એવોર્ડ માટે મંધાના સાથે રેસમાં હતી.SS1MS