Western Times News

Gujarati News

નવરચિત મંત્રીમંડળમાં કયા મંત્રીઓને કેબિનેટ, રાજ્યકક્ષા અને સ્વતંત્ર હવાલો સોંપાયો

ગાંધીનગર,  ગુજરાતના રાજકારણમાં આજે એક મહત્વનો દિવસ રહ્યો, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું. ગાંધીનગરના મહાત્મા મંદિરમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવા મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.

નવા મંત્રીમંડળમાં યુવાનોને અગ્રતા આપવાની ભારતીય જનતા પાર્ટીની નીતિ સ્પષ્ટ દેખાઈ આવી છે. સૌથી મહત્વની જાહેરાત તરીકે, મજૂરાના ધારાસભ્ય અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. સંઘવીએ સૌથી પહેલી શપથ લીધા હતા. તેમની નિમણૂક પક્ષમાં યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપવા અને તેમના અગાઉના કાર્યકાળના પ્રદર્શનનું પરિણામ માનવામાં આવે છે.

કેબિનેટ મંત્રીઓનું નવું માળખું ઃ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ઉપરાંત, મંત્રીમંડળમાં આઠ કેબિનેટ મંત્રીઓએ શપથ લીધા હતા. જેમાં અનુભવી નેતાઓ જીતુ વાઘાણી અને નરેશ પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોંગ્રેસમાંથી આવેલા અને રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવતા અર્જુન મોઢવાડિયાને પણ કેબિનેટ મંત્રી તરીકે સ્થાન મળ્યું છે.

આ જૂથમાં પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકી જેવા નવા ચહેરાઓ પણ જોડાયા છે, જે પ્રાદેશિક અને સામાજિક સંતુલન જાળવવાનો સંકેત આપે છે. જોકે, અગાઉના કેબિનેટ મંત્રીઓ પૈકી ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ અને કુંવરજી બાવળિયાએ રાજીનામું ન આપ્યું હોવાથી તેઓએ શપથ લીધા ન હતા, પરંતુ તેઓ કેબિનેટ મંત્રીઓની યાદીમાં સ્થાન ધરાવે છે.

રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) ઃ રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) તરીકે ઈશ્વરસિંહ પટેલ, પ્રફુલ પાનસેરિયા અને ડૉ. મનીષા વકીલએ શપથ ગ્રહણ કર્યા છે. ડૉ. મનીષા વકીલની નિમણૂકથી મંત્રીમંડળમાં મહિલા પ્રતિનિધિત્વને પણ મહત્વ મળ્યું છે.

રાજ્યકક્ષાના મંત્રીઓ ઃ મંત્રીમંડળમાં બાર રાજ્યકક્ષાના મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે, જેમાંથી ઘણા નવા ચહેરા છે. આ જૂથમાં મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા, જેઓ પુલ દુર્ઘટના સમયે કરેલા રાહત કાર્ય માટે ચર્ચામાં રહ્યા હતા, તેમનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત રમેશ કટારા, દર્શનાબેન વાઘેલા, કૌશિક વેકરીયા, પ્રવીણ માળી, જયરામ ગામીત, ત્રિકમ છાગા, સંજય મહીડા, કમલેશ પટેલ, સ્વરૂપ ઠાકોર, રિવાબા જાડેજા અને પી. સી. બરંડાએ પણ શપથ લીધા હતા. નોંધનીય છે કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને પણ આ કેબિનેટ વિસ્તરણમાં સ્થાન મળ્યું છે, જે યુવાનો અને મહિલાઓને તક આપવાની પક્ષની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

ઉલ્લેખનીય છે કે, આ વિસ્તરણ દ્વારા ભાજપે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક, જાતિગત અને યુવા નેતૃત્વનું યોગ્ય સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

હવે જોવાનું એ રહેશે કે આ નવી ટીમ ગુજરાતના વિકાસના એજન્ડાને કેટલી ઝડપથી આગળ વધારી શકે છે. ખાસ વાત એ રહી કે નવા મંત્રીઓમાંથી મોટાભાગનાએ હિંદુ ધર્મગ્રંથ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા હાથમાં રાખીને શપથ લીધા હતા. આ સાંસ્કૃતિક ભાવના રાજકારણમાં નૈતિક મૂલ્યોના આચરણ પર ભાર મૂકવાનો સંકેત આપે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.