અસ્ત્રાથી જમાઈએ હુમલો કરતા સાસુએ માથામાં ઈંટ મારી પતાવી દીધો

પ્રતિકાત્મક
સાસુએ જમાઈના માથામાં ઈંટ મારી કરપીણ હત્યા કરી
અમદાવાદ, રાજ્યમાં ઘરકંકાસના કારણે અનેક ઘર ઉજળતા હોય એવા કિસ્સાઓ સામે આવી ચૂક્્યા છે, ત્યારે અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં ઘરેલુ કંકાસના કારણે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સાસુએ પોતાના જમાઈની ઈંટ મારીને હત્યા કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મૃતક યુવક પત્નીને પરત લેવા માટે તેના પિયર આવ્યો હતો, જ્યાં સાસુ સાથે માથાકૂટ થઈ હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઘટનામાં ભોગ બનનાર મૃતક પરેશ તડવી (ઉં.વ. ૨૭) અને તેની પત્ની વચ્ચે ઘર કંકાસના કારણે ઝઘડા થતા હતા. આથી પરેશની પત્ની કંટાળીને નારોલ સ્થિત પોતાના પિયરમાં રહેવા આવી ગઈ હતી.
શુક્રવારે (૧૭ ઓક્ટોબર, ૨૦૨૫) રાત્રે પરેશ તેની પત્નીને પરત લઈ જવા માટે તેના સાસરે આવ્યો હતો. આ દરમિયાન પરેશ અને તેની સાસુ દિનાબેન વેગડા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે ઝપાઝપીમાં પરિણમી હતી. જોત જોતામાં મામલો એટલો વણસ્યો કે જમાઈ પરેશ તડવીએ ગુસ્સામાં આવીને સાસુ પર અસ્ત્રા વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.
પોતાના બચાવમાં સાસુ દિનાબેને નજીકમાં પડેલી ઈંટ ઉઠાવીને જમાઈ પરેશના માથામાં મારી દીધી હતી. પરેશને માથામાં ઈંટ વાગતા તેઓને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તે જમીન પર ઢળી પડ્યા હતા. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
આ ઘટના બાદ મૃતક પરેશની પત્ની (દિનાબેનની પુત્રી)એ જ પોતાની માતા દિનાબેન વેગડા વિરુદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરિયાદ નોંધાવી છે. નારોલ પોલીસે પુત્રીની ફરિયાદના આધારે આરોપી સાસુ દિનાબેન વેગડાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘરેલુ વિવાદના આ દુઃખદ અંજામે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.