યુક્રેનના ખજાના પર રશિયાની નજર! ડોનેસ્ક પર કબજો કરવાનો પ્રયાસ

૧૧ વર્ષથી ડોનેસ્ક પર કબજો કરવાનો રશિયાનો પ્રયાસ -પુતિને યુદ્ધ સમાપ્ત કરવા ટ્રમ્પ સમક્ષ મૂકી શરતઃ રિપોર્ટ
મોસ્કો, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે તાજેતરમાં ફોન પર વાતચીત થઈ છે. આ દરમિયાન પુતિને સ્પષ્ટ કહ્યું છે કે જો યુક્રેન ડોનેત્સ્ક વિસ્તાર રશિયાને સોંપી દે તો યુદ્ધ સમાપ્ત થઈ શકે છે.
વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ આ વાતચીતની માહિતી વરિષ્ઠ અધિકારીઓએ આપી હતી. પુતિનના પ્રસ્તાવ પરથી લાગી રહ્યું છે કે, યુદ્ધમાં ડોનેત્સ્ક શહેર તબાહ થઈ ગયું છે છતાં પુતિનને આ શહેરમાં રસ કેમ છે? વ્લાદિમીર પુતિન છેલ્લા ૧૧ વર્ષથી ડોનેત્સ્ક પર કબજો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તો યુક્રેનની સેના પણ દર વખતે રશિયન સેનાને પાછળ ધકેલી દે છે. આ વિસ્તાર યુક્રેન માટે ખાસ છે, કારણ કે ડોનેત્સ્કની એકતરફ રશિયા છે, તો બીજીતરફ યુક્રેનની રાજધાની કીવ આવેલું છે. આજ કારણે રશિયાને કીવ પહોંચતા પહેલા ડોનેત્સ્ક પાર કરવો એક મોટો પડકાર છે. જો ડોનેત્સ્ક રશિયાના કબજામાં જાય તો યુક્રેની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે છે.
ડોનેત્સ્ક ખજાનાથી ભરેલો વિસ્તાર હોવાના કારણે રશિયા અને યુક્રેન માટે તે ખૂબ જ મહત્ત્વનો છે. ૨૦૧૪ સુધી ડોનેત્સ્ક યુક્રેનનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર હતું. દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનનો લગભગ ૨૦ ટકા હિસ્સો આ જ ક્ષેત્રમાંથી આવતો હતો. આ વિસ્તાર યુરોપના ચોથા સૌથી મોટા કોલસાના ભંડાર માટે જાણીતો છે, જે રશિયાને ઊર્જા ક્ષેત્રે વધુ મજબૂત બનાવી શકે છે.
પુતિને શરત મુકી છે કે, જો યુક્રેન ડોનેત્સ્ક આપી દે તો અમે ઝાપોરીઝ્ઝયા અને ખેરસન વિસ્તારોના કેટલાક ભાગો છોડી દઈશું. જોકે, યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી અગાઉ પણ આ માંગને નકારી ચૂક્યા છે. બીજીતરફ ટ્રમ્પે ડોનેત્સ્ક મુદ્દે હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે મુલાકાત થઈ હતી, ત્યારે પણ ડોનેત્સ્ક મુદ્દે કોઈ ચર્ચા થઈ ન હતી.