Western Times News

Gujarati News

દેશી ગાયનું દૂધ અમૃત તુલ્ય અને ગુણોના ભંડાર સમાન-દેશી ગાય જેટલું ઉપકારી પ્રાણી કોઈ નથી: રાજ્યપાલ

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં શ્રી નાગેશ્વર કલ્યાણ શક્તિ ધામ ખાતે ગૌ પૂજન, ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યક્રમ યોજાયો

પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સુખાકારી માટે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ જ એકમાત્ર ઉપાય : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

અમદાવાદ, દસ્ક્રોઈ તાલુકાના હીરાપુર ગામે શ્રી નાગેશ્વર કલ્યાણ શક્તિ ધામ ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ગૌ પૂજન, ગૌ સંવર્ધન તેમજ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી વિષયક કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે પ્રાસંગિક સંબોધનમાં રાજ્યપાલશ્રીએ રાજસ્થાનની ભૂમિ પર જન્મેલા પ્રસિદ્ધ ગૌભક્ત અને પરાક્રમી એવા દેવર્ષિ કલ્લાજી રાઠોડનું સ્મરણ કરીને જણાવ્યું કે, તેમની ગૌરક્ષા પરાક્રમની ગાથા આજે પણ લોકોને પ્રેરણા આપે છે. વર્ષ 2005માં તેમની જ સ્મૃતિમાં શ્રી નાગેશ્વર કલ્યાણ શક્તિ ધામ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે ગૌ રક્ષાની સાથે સાથે ધાર્મિક, આધ્યાત્મિક અને સામાજિક ઉત્થાનનું કેન્દ્ર બની ચૂક્યું છે.

રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ધરતી પર દેશી ગાય જેટલું ઉપકારી પ્રાણી કોઈ નથી એટલે જ પુરાતન ગ્રંથોમાં ગાયને વિશ્વની માતાની ઉપમા આપવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં થયેલા સંશોધનોમાં ભારતની દેશી ગાયના દૂધને A2 અને વિદેશી ગાયોના દૂધને A1 નામ આપવામાં આવ્યું છે. બન્ને દૂધોના વૈજ્ઞાનિક પરીક્ષણમાં એવું તારણ સામે આવ્યું છે કે A2 દૂધ અમૃત તૂલ્ય અને સ્વાસ્થ્ય માટે જરૂરી એવા ગુણોનો ભંડાર છે.

દેશી ગાયના દૂધથી બાળકોની બુદ્ધિ ક્ષમતામાં ઝડપથી વૃદ્ધિ થાય છે. દેશી ગાયના દૂધ ઉપરાંત ગોબર અને ગૌ મૂત્રમાં રહેલા અસંખ્ય સુક્ષ્મ જીવાણુંઓ પ્રાકૃતિક કૃષિ માટે અત્યંત ઉપયોગી છે. ભારતમાં એક સમય એવો પણ હતો કે જ્યારે માનવ વસ્તી કરતા 10થી 12 ગણી વધારે ગાયો હતી.

જોકે આજના સમયમાં દૂધ ન આપતી ગાયો પશુપાલક પર આર્થિક બોજા રૂપ બને છે. ગૌ પાલકોના હિતને ધ્યાન રાખીને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વૈજ્ઞાનિક ઢબે ‘સેક્સ સોર્ટેડ સીમન’ ટેકનોલોજીના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેનાથી ગાય દ્વારા વાછરડીને જન્મ આપવાની શક્યતાઓ ઘણી વધી જાય છે.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખાતર દ્વારા થતી ખેતીની ઉપજના સેવનથી સ્વાસ્થ્ય અને જમીનને થતા નુકસાનો વિશે જણાવી દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને તેના ફાયદાઓ જણાવ્યા હતા.

તેમણે કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ જ આજના સમયમાં પર્યાવરણ સંવર્ધન અને લોકોના આરોગ્યની સુખાકારીનો એકમાત્ર વિકલ્પ છે. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોમાં સામે આવ્યું છે કે પ્રાકૃતિક કૃષિથી ખેત ઉત્પાદન ઘટતું નથી સાથે સાથે જમીન પણ ફળદ્રુપ બને છે અને પાણી તેમજ પર્યાવરણનું પણ રક્ષણ થાય છે. પ્રાકૃતિક ખેતીથી જમીનને પુરતા પ્રમાણમાં પોષક તત્વો તેમજ સારા ઉત્પાદન માટે જરૂરી એવા ખનીજો સરળતાથી મળી રહે છે.

આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રાંત સંઘચાલક શ્રી ભરતભાઈ પટેલે પ્રાસંગિક સંબોધનમાં ગૌભક્ત કલ્લાજી રાઠોડ દ્વારા ગાયોની રક્ષા માટે અપાયેલા યોગદાન વિશે માહિતી આપી હતી, તેમજ ગૌ વિજ્ઞાન ક્ષેત્રે વધુને વધુ સંશોધન અને ગાયો માટે ગૌ-હોસ્ટેલની વ્યવસ્થા ઉભી કરવા ટ્રસ્ટીશ્રીઓ અનુરોધ કર્યો હતો. યુવાઓને ગૌ આધારિત જીવનશૈલી અપનાવવા તેમણે પ્રેરણા પુરી પાડી હતી.

આ પ્રસંગે મહાલંડલેશ્વરશ્રી અખિલેશદાસજી મહારાજે જણાવ્યું કે, ભારતમાં સંતો મહંતો ગૌ રક્ષા અને ગૌ સંવર્ધન માટે સતત પ્રયન્તશીલ રહે છે. શાસ્ત્રોમાં ગૌ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. તેઓએ રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવતા ગૌ સંવર્ધન, ગૌ સેવાના કાર્યોની પ્રશંસા કરીને લોકોને પણ ગૌ સેવા માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

 

આ પ્રસંગે રાજ્યપાલશ્રી અને ટ્રસ્ટીગણ દ્વારા ગાયોનું પૂજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમાં ગુજરાત સરકારના પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ પટેલ, દસ્ક્રોઈના ધારાસભ્યશ્રી બાબુભાઈ જમનદાસ પટેલ, નાગેશ્વર કલ્યાણ શક્તિધામ સંસ્થાના અધ્યક્ષશ્રી રશ્મિભાઈ નાણાંવટી, સંસ્થાના ટ્રસ્ટીગણ, ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.