Western Times News

Gujarati News

સિવિલ હોસ્પિટલમાં કિડનીના કેન્સરની ગાંઠ લેપ્રોસ્કોપીથી સફળતાપૂર્વક દૂર કરી દર્દીનો જીવ બચાવાયો

સિવિલના યુરોલોજી વિભાગના ડોક્ટરોની નીપુણતા બતાવતો કિસ્સો

25 વર્ષ પહેલાં જે કિડની માંથી કેન્સરની ગાંઠ દૂર કરી હતી તેમાં ફરીથી કેન્સરની ગાંઠ થતા સિવિલના ડોક્ટરો દ્વારા અત્યાધુનિક લેપ્રોસ્કોપીક સર્જરી દ્વારા ઓછી તકલીફ સાથે સર્જરી કરી ગાંઠ દૂર કરાઇ

કેન્સર વાળો કિડનીનો ભાગ દૂર કર્યો તેમ છતાં કિડનીની કામગીરી પણ યથાવત રહી

ધુમ્રપાન, બ્લડ પ્રેશર, ફેમીલી હિસ્ટ્રી અને યુવાનવય માં રીનલ સેલ કારશીનોમા કેન્સર થવાનું જોખમ વધારે :-  ડોક્ટર શ્રેણિક શાહ વિભાગના વડા યુરોલોજી સિવિલ હોસ્પિટલ અમદાવાદ

સિવિલ હોસ્પિટલમાં થયેલ આ દુર્લભ ઓપરેશનની વિગતો આપતા ડો શ્રેણીક શાહ એ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં એક 56 વર્ષીય દર્દી,   3 મહિનામાં આશરે 10 કિલોગ્રામ વજન ઘટવાની તકલીફ લઈને આવ્યા હતા. તેમને છેલ્લા 8 વર્ષથી  ડાયાબિટીસ ની પણ તકલીફ હતી. દર્દીને વર્ષ 2000 માં ડાબી કિડનીના નીચલા ભાગમાં કેન્સરની સારવાર માટે ઓપન લેફ્ટ પાર્શિયલ નેફ્રેક્ટોમી એટલે કે કિડનીનો કેન્સરથી ખરાબ થઈ ગયેલો નીચેનો ભાગ માત્ર દૂર કરી સર્જરી કરવામાં આવી હતી.

દર્દીને CECT (એબડોમન + પેલ્વિસ) એટલે કે પેટના ભાગનો સિટી સ્કેન કરાવતા આ વખતે ડાબી કિડનીના ઉપરના પોલના મધ્ય ભાગમાં 34 × 28 સાઇઝ નો કેન્સર વાળો ભાગ જોવા મળેલ. દર્દીના શરીરના અન્ય ભાગમાં કેન્સરની અસર છે કે નહીં તે જાણવા માટે ડોક્ટરો દ્વારા દર્દીનો PET- સ્કેન પણ કરાવવામાં આવ્યો હતો જેમાં સદનસીબે બીજી કોઈ જગ્યાએ કેન્સર ફેલાયું હોય કે કેન્સરની અસર હોય તેવું જણાયું ન હતું.

દર્દીના સીટી સ્કેન તેમજ પેટ સ્કેન ના રિપોર્ટો તથા દર્દીને ભૂતકાળમાં થયેલા કિડનીના કેન્સર ને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગના વડા ડોક્ટર શ્રેણિક શાહ અને તેમની ટીમના નિષ્ણાત ડોક્ટરો દ્વારા ખૂબ જ જટિલ એવી લૅપેરોસ્કોપિક લેફ્ટ પાર્ટિયલ નેફ્રેક્ટોમિ એટલે કે દૂરબીન થી દર્દીની કિડનીના કેન્સરની અસરવાળા ભાગ માત્રને દૂર કરવા નું સફળતાપૂર્વક ઓપરેશન કરવામા આવ્યું. એનેસ્થેસિયા dr નિલેશ સોલંકી એન્ડ ટીમ દ્વારા આપવામાં આવ્યો.. સર્જરી દરમિયાન અને સર્જરી બાદ પોસ્ટઓપરેટિવ સમય પણ કોઈપણ તકલીફ વગરનો રહેતા દર્દી ની સ્થિતિ સ્થિર જણાતા ડિસ્ચાર્જ આપી ઘરે જવા રજા આપવામાં આવી હતી

ઓપરેશન દરમિયાન દૂર કરવામાં આવેલા ભાગની હિસ્ટોપેથોલોજીકલ તપાસમાં પણ કિડનીના એ ભાગમાં “ક્લિયર રીનલ સેલ કાશીનોમાં” હોવાની પુષ્ટિ થઈ.  ઓપરેશન બાદ કિડની ની કામગીરી માટેના ટેસ્ટ (સીરમ ક્રિએટિનિન, એસ્ટિમેટેડ GFR) કરાવતા તે પહેલાં ની જેમ સામાન્ય જણા તા કિડની સામાન્ય કામ કરતી હોવાનું સ્પષ્ટ થયુ હતું.

ડોક્ટર રાકેશ જોષી તબીબી અધિક્ષક સિવિલ હોસ્પિટલ અમદાવાદએ જણાવ્યું હતું કે,  છેલ્લા એકાદ વર્ષથી સિવિલ હોસ્પિટલ ના યુરોલોજી વિભાગમાં કિડનીની પથરી લેસર થી તોડી સારવારની સુવિધા તથા થ્રેડી લેપ્રોસ્કોપી ની સેવા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને સાથે સાથે કિડની, પેશાબની નળી તેમજ મૂત્રાશય અને મૂત્રમાર્ગની તમામ જટિલ બીમારીઓની પણ આધુનિક સારવાર નિષ્ણાત યુરોલોજીસ્ટ તબીબો દ્વારા પૂરી પાડવામાં આવે છે જેનો લાભ વધુમાં વધુ દર્દીઓને મળે એ માટે અમે સતત પ્રયત્નશીલ છીએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.