સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા હર્ષ સંઘવીનું આહવાન

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા, સ્વાગત રેલી ન કાઢવા આહવાન કર્યું
દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડતા ન પડે તે માટે સ્વાગત રેલી રદ કરાવી નાયબ મુખ્યમંત્રીશ્રી સીધા કાર્યક્રમ સ્થળે પહોંચશે
સુરત, રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યા બાદ પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા છે. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન કાઢવા આહવાન કરી સૌ કાર્યકર્તા અને શુભેચ્છક નગરજનોને રેલવે સ્ટેશનથી સીધા જ નિર્ધારિત સ્વાગત કાર્યક્રમ સ્થળ પર પહોંચી રહ્યા છે.
નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા, સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા. પરંતુ શ્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું.
દિવાળીના માહોલમાં ખૂબ મોટી સંખ્યામાં સુરતના માર્ગો પર જો સ્વાગત રેલી યોજાય તો સામાન્ય જનતાને મોટી અગવડતા પડતી. જનહિતને પ્રાથમિકતા આપતા શ્રી સંઘવીના આ પગલાંને કાર્યકરો તેમજ નાગરિકોએ પણ આવકાર્યો છે.