પૂર્વ BJP પ્રમુખ અને પોલીસ વચ્ચે બિન-અધિકૃત ફટાકડા વેચાણ મુદ્દે રકઝક

પ્રતિકાત્મક
બિન-અધિકૃત ફટાકડા વેચાણ પર પોલીસની કાર્યવાહી -બિન-અધિકૃત રીતે ફટાકડા વેચી રહેલા સ્ટોલ પર તવાઈ બોલાવી હતી અને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો
થરાદ, બનાસકાંઠાના મુખ્ય મથક થરાદ શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે ગેરકાયદેસર ફટાકડાના વેચાણ પર પોલીસ વિભાગે કડક કાર્યવાહી શરૂ કરી છે. થરાદ પોલીસે મુખ્ય બજારમાં બિન-અધિકૃત રીતે ફટાકડા વેચી રહેલા સ્ટોલ પર તવાઈ બોલાવી હતી અને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ફટાકડાનો જથ્થો કબજે કર્યો હતો.
છેલ્લા ત્રણ દિવસથી પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના કારણે બિન-અધિકૃત ફટાકડાનો વેપાર કરી રહેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
જોકે આ કાર્યવાહી દરમિયાન એક રાજકીય હસ્તક્ષેપને કારણે મામલો ગરમાયો હતો. પોલીસે જ્યારે પૂર્વ શહેર ભાજપ પ્રમુખ નંદુ મહેશ્વરીના સગાની દુકાન પર કાર્યવાહી કરીને ફટાકડા કબજે કર્યા ત્યારે નંદુ મહેશ્વરી પોતે સ્થળ પર દોડી આવ્યા હતા. નંદુ મહેશ્વરી જે થરાદ વેપારી એસોસિયેશનના પ્રમુખ પણ છે તેમણે પોલીસ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.
તેમણે વેપારીઓને વેપાર કરવા માટે પ્રોત્સાહન આપવાના આશયથી પોલીસને કાયદો સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.આ બાબતને લઈને નંદુ મહેશ્વરી અને પોલીસ અધિકારીઓ વચ્ચે જાહેરમાં રકઝક થઈ હતી.
વેપારી એસોસિયેશનના પ્રમુખ તરીકે નંદુ મહેશ્વરીએ સ્થાનિક વેપારીઓના હિતમાં દખલગીરી કરી હોવા છતાં પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધની પોતાની કાર્યવાહી ચાલુ રાખી હતી. આ સમગ્ર ઘટનાએ થરાદના બજારમાં ચર્ચા જગાવી છે. એક તરફ તહેવારોમાં વેપાર કરવાની વેપારીઓની ઈચ્છા છે તો બીજી તરફ પોલીસ તંત્ર કાયદાનું પાલન અને સલામતી જાળવવા માટે પ્રતિબદ્ધ છે.